લગ્ન કરવા ઝારખંડ પહોંચેલો કચ્છી યુવાન પોલીસના સકંજામાં
Bhaskar News, Ranchi / Bhuj
| Jul 25, 2012, 02:47AM IST

કચ્છથી લગ્ન કરવાના ઇરાદે ઝારખંડ પહોંચેલા એક યુવાનને સગીરા સાથે લગ્ન કરતો અટકાવીને સ્થાનિકના ગ્રામજનોએ પોલીસને સોંપી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ ભુજમાં ફર્નિચરનો વ્યવસાય કરતા ૩૨ વર્ષીય ભરતકુમાર સુથારને વતનમાં યોગ્ય કન્યા ન મળતાં તેમણે ઝારખંડમાં એક ગરીબ ઘરની કન્યાના પિતા સાથે રૂ. ૪૦,૦૦૦ના બદલામાં લગ્ન કરવાનું ગોઠવ્યું હતું.
બોકારો સ્ટીલ પ્લાન્ટથી ૩૨ કિમી દૂર ચંદનકિયારીના બાબુગ્રામમાં આ લગ્ન યોજાઇ રહ્યાં હતાં, ત્યારે જ સ્થાનિકના લોકોએ તેમાં હસ્તક્ષેપ કર્યો હો અને લગ્ન કરવા જઇ રહેલા ભરતકુમાર અને તેના પાંચ સાગરિતને પોલીસના હાથે પકડાવી દીધા હતા.
ગામલોકોનો આરોપ છે કે, બાબુગ્રામના રહેવાસી એવા એન મહતોએ પોતાની કિશોર વયની ૧૬ વર્ષીય પુત્રી સીતાકુમારી(કાલ્પનિક નામ)ને ૪૦ હજાર રૂપિયામાં લગ્ન માટે વેચી નાંખી છે. બીજીતરફ યુવતીની મા ગામલોકો અને પોલીસ સમક્ષ ૧૦ હજાર રૂપિયા લગ્નના ખર્ચના નામે મળ્યાની વાત સ્વીકારી રહી છે.
એન. મહતોએ પોતાની પુત્રીના લગ્ન ભરતકુમાર સુથારની સાથે કરવાની પૂરી તૈયારી કરી કરી લીધી હતી. યુવતી અને યુવક સહિત ૬ વ્યક્તિ વેગનઆર ગાડી નં. ૦૯ કયુ ૩૨૮૬માં ચેચકાધામ લગ્ન માટે જઇ રહ્યા હતા, ત્યારે આ યુવતીના સંબંધિઓએ ગ્રામજનોને આ માહિતી આપી દીધી, તેના પછી ગ્રામજનોએ યુવક અને કિશોરી સિવાય ચંદહાના જહાન અંસારી, રોહણ અંસારી, અલુઆરાના કયુમ અંસારી અને ગુજરાતથી આવેલા અન્ય બે યુવકને પકડી લીધા હતી.
પોલીસે તપાસ શરૂ કરી
આ બાબતે બનગડિયાના આઉટપોસ્ટ પ્રભારી સત્યકુમારે વરિષ્ઠ અધિકારીઓને ઘટનાની જાણકારી આપી છે. પોલીસ પહેલાં યુવતીની ઉમર અને અન્ય વસ્તુઓની તપાસ કરશે અને ત્યાર બાદ સમગ્ર મામલો નોંધાવાની આશા છે, તો ચાસ (બોકારો) જિલ્લા પોલીસવડા બી. કુલ્લુએ કહ્યું હતું કે, છોકરીની ઉમરની તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે નાની ઉંમર હોવા ઉપરાંત આ કિશોરીના લગ્ન તેની ઈચ્છા વિરૂધ્ધ થઇ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કિશોરીએ લોકલ પોલીસને એમ જણાવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે કે તેના પિતા તેનો સોદો એટલા માટે કરી રહ્યા હતા કે તે તેના પરિવારની સૌથી મોટી પુત્રી હતી.





