લીઝ એગ્રીમેન્ટનો ભંગ થશે તો એસઆરસીની જવાબદારી રહેશે એવી સ્પષ્ટ વાત
આદિપુરમાં એક પ્લોટ ભાજપના મંત્રીના પ્રમુખપદ હેઠળના ટ્રસ્ટને આપી દેવા અંગેની ફરિયાદમાં નગરપાલિકાના સત્તાવાળાઓએ તો લાજ કાઢી લીધી હતી, પણ કંડલા પોર્ટના ડેપ્યુટી ચેરમેન એમ.એ.ભાસ્કરાચારે આ મુદ્દે એસઆરસીને કાંઇ પણ ખોટું થઇ જાય તો જવાબદારી તમારી રહેશે એમ જણાવી દીધું છે.
સંબંધિત સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આદિપુરમાં આવેલો એક કરોડોની કિંમતનો પ્લોટ ભારતીય જનતા પક્ષના એક નેતાના ટ્રસ્ટને સોંપવા માટે નગરપાલિકાની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વિરોધપક્ષોએ સભામાં જ આ ગેરકાનૂની કાર્ય માટે વિરોધ નોંધાવ્યો હતો, પણ ભાજપની બહુમતી આગળ વપિક્ષનું કાંઇ ચાલ્યું ન હતું અને આ સંદર્ભનો ઠરાવ પસાર થઇ ગયો હતો.
જોકે, આદિપુરના એક નાગરિક રવીન્દ્ર સબરવાલે આ બાબતે કંડલા પોર્ટ ટ્રસ્ટ તેમજ શિપિંગ મંત્રાલય સુધી લેખિતમાં રજૂઆત કરી દેતાં કેપીટીના ડેપ્યુટી ચેરમેન એમ.એ.ભાસ્કરાચારે આ બાબતે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનને એક પત્ર પાઠવીને કાયદાનુસાર જ કાર્યવાહી થાય તેનું ધ્યાન રાખવા તાકીદ કરી છે.
એસ.આર.સી.ના સરકારી ડાયરેકટર તરીકે એસઆરસીના જનરલ મેનેજર એમ. જી. સાજનાનીને તા. ૪/૨ના રોજ પાઠવેલા એક પત્રમાં ભાસ્કરાચારે જણાવ્યું હતું કે, આદિપુરના વોર્ડ ર-બીમાં આવેલો પ્લોટ કોઇને પણ ટ્રાન્સફર કરી દેવા કે આપી દેવાના મામલે ફરિયાદી રવીન્દ્ર સબરવાલની અરજી મળી છે અને તે એસઆરસીને મોકલવામાં આવી રહી છે.
આ પ્લોટની ફાળવણીમાં કોઇ પણ જાતનું ગેરકાનૂની કૃત્ય ન થઇ જાય તે જોવાની તમારી જવાબદારી છે એમ જણાવીને ભાસ્કરાચારે આ પત્રમાં વધુમાં લખ્યું હતું કે, લીઝ એગ્રીમેન્ટનો કોઇ પણ રીતે ભંગ થશે તો તેના માટે માત્ર એસઆરસીનું મેનેજમેન્ટ જવાબદાર રહેશે.