પ્રવાસીને આકર્ષવા રણોત્સવ પૂર્વે કામગીરી
રણોત્સવના ટુરિઝમના પેકેજમાં સૌથી વધુ આકર્ષણ ધરાવતા કચ્છના કાળાડુંગરને આગામી રણોત્સવ પહેલાં બ્યૂટીફિકેશન કરીને વધુ આકર્ષિત બનાવવામાં આવેશે. તંત્ર અને વનવિભાગ ૭૫ લાખના ખર્ચે આગામી મહિને આ કામગીરી શરૂ કરી દેશે.
કાળાડુંગર પર આવેલી અમૂલ્ય ઔષધિઓ, નૈસર્ગિક સંપદા સહિત ડુંગર પર જવાના રસ્તા તેમજ ભગવાન દત્તાત્રેય મંદિરની પાસે આપેલા વ્યૂ પોઇન્ટને પણ અપગ્રેડ કરીને તેમાં વધુ સુવિધાઓ ટુરિસ્ટને મળી રહે તે માટેનું આયોજન આ કામગીરી હેઠળ કરવામાં આવશે. કાળાડુંગરમાં બ્યૂટીફિકેશન અંગે કલેક્ટર એમ. થેન્નારસને વધુમાં જણાવ્યું હતું કે આસામના કાઝીરંગ નેશનલ પાર્કને જે સંસ્થાએ વિકસાવ્યો છે તે અમદાવાદની સંસ્થા તુમર આર્ટ્સને કામ સોંપવા અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
બ્યૂટીફિકેશનની કામગીરી જેમને સંભાળવાની તેવા વનવિભાગના અધિકારી એન. એલ. જાડેજાએ કહ્યું હતું કે અમે પ્રોજેક્ટની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરીને તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરીશુ અને આગામી રણોત્સવ પહેલાં આ કામ પૂરું કરવાનો અમારો ટાર્ગેટ છે.