અંજારમાં પુત્રીઓના સગપણ માટે રાખેલા દાગીના ચોરાયા
Bhaskar News, Anjar
| Jun 13, 2012, 02:23AM IST

અંજારમાં લગાતાર ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે સોમવારે રાત્રિના શહેરમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. શહેરની વિવેકાનંદ સોસાયટી ખાતે એક ખુલ્લા મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૫૬ હજારના સોના ચાંદીના દાગીના ચોરી જતાં ગરીબ પરિવાર પર આભ ફાટયું હતું.
આ અંગે અંજાર પોલીસે જણાવ્યું હતું કે, શહેરની સ્વામી વિવાકનંદ સોસાયટીના મકાન નં. ૬૭ ખાતે સોમવારે રાત્રે ૧૨ વાગ્યાથી મંગળવારે વહેલી સવારે ૬ વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો. મકાન માલિક હરેશભાઇ દશવાણી પરિવાર સાથે છત પર સૂતા હતા જ્યારે તેઓનો પુત્ર નીચે એકલો સૂતો હતો તે દરમિયાન ખુલ્લાં ઘરનો લાભ લઇ તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ કબાટની તિજોરીમાં રહેલા તાંબાના કળસિયામાંથી સોના ચાંદીની વીંટીઓ, પાટલા તથા બે મોબાઇલ સહિત કુલ રૂ. ૫૬ હજારની માલમત્તાની ચોરી કરી હતી.
સાથોસાથ ત્રણેક હજાર જેટલા રૂપિયા આશ્ચર્યજનક રીતે રાખી ગયા હતા. જેની ચોરી કરાઇ ન હતી. મકાન માલિકનો પરિવાર મજૂરી, ઘર કામ તથા અથાણાનો વ્યવસાય કરી પેટીયું રળે છે. ચોરાયેલા દાગીના ફરિયાદી રમાબેને પોતાની બે પુત્રીના સગપણ માટે સાચવીને રાખ્યા હતા. તેની જ ચોરી થઇ જતાં ગરીબ પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ચોરીની ફરિયાદ થયા બાદ એએસપી યાદવ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.






