Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Kutchh >> Bhuj
 

મારી ‘સલેટ’ કોરી છે

 
Source: Jwalant Chaya, Kothara   |   Last Updated 3:55 AM [IST](31/08/2010)
 
 
 
 
 
‘‘રાજકીય રીતે મારો લાભ ઘણાએ લીધો છે મને ભલે ગુનેગાર બનાવાયો છે પરંતુ મારી સલેટ (સ્લેટ) સાફ છે, મારા પર થયેલા કેસ કિન્નાખોરીનું પરિણામ છે અને કુલદીપ શર્માએ અંગત દુશ્મનાવટ રાખીને કામ કર્યું છે’’

આ શબ્દો કચ્છના એક અતિ ચર્ચાસ્પદ અને જેને કુખ્યાત પણ કહેવાય છે તેવા એક શખ્સના છે તેનું નામ અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ છે તેવું કહીએ તો કોઇ નહીં ઓળખે, પરંતુ ઇભલા શેઠ નામ આવતાં જ લોકોના કાન સરવા થઇ જશે અને અંદરો અંદર ઘૂસપુસ ચાલુ પણ થઇ જશે, ‘ઇભલાના નામે કેટલાય કેસ છે એ કંઇ કુલદીપ શર્માની સામે બોલે તે સાચું મનાય?’ ‘ભલે તે દાણચોરીમાં સંડોવાયેલો મનાય, પરંતુ ગરીબોની મદદ કરતો. અરે, અબડાસામાં તો તેના નામનો સિક્કો પડતો.’ આવી બેમતભરી વાતો આ ઇભલા શેઠ વિશે વર્ષોથી થતી આવી છે.

લાંબા સમયથી રાજકીય પ્રવૃત્તિથી પણ અલ્પિત થઇ જનાર ઇભલા શેઠ પર સોના ચાંદીની દાણચોરીના આક્ષેપો જ નહીં, પરંતુ પોલીસ અને કસ્ટમના કેસ પણ દર્જ થયા છે. શસ્ત્રની હેરાફેરી કે સિમિ સાથેનું કનેક્શન એવા કારણો રહ્યાં છે કે, જેને લીધે પોલીસે અડધી રાત્રે ઇભલા શેઠના દરવાજા ખખડાવ્યા છે. જોકે તે પોતે કહે છે જુગાર રમાડવા સિવાય એક પણ ગુનો મેં કર્યો નથી, હું ખેતી કરીને મહેનત કરીને આગળ આવેલો માણસ છું.

કચ્છમાં કોંગ્રેસને મેં જીવાડી છે, મારી વધતી તાકાત અને લોકપ્રિયતા હરીફોને ખૂંચતાં પરિણામે કુલદીપ શર્માએ અંગત દ્વેષ રાખીને મારી સાથે સતત ગુનેગાર જેવું વર્તન કર્યું હતું.

કચ્છમાં ૨૬ વર્ષ પૂર્વે થયેલા એન્કાઉન્ટર અંગે પુન: તપાસ શરૂ થઇ છે. તો આ ઇભલા શેઠને પણ તત્કાલીન ડીએસપી કુલદીપ શર્માએ માર માર્યો હોવાનો બનાવ ભુતકાળના તળમાંથી ફરી સપાટી પર આવ્યો છે, ત્યારે ગુનેગાર ન હોવાનું રટણ કરનાર છતાં પોલીસ જેના માટે સતત વોચફૂલ રહેતી તેવા ઇભલા શેઠ ‘દિવ્ય ભાસ્કર’ સામે કેટલીક સ્ફોટક વાતો કરે છે.

પ્રશ્ન : કુલદીપ શર્માવાળું પ્રકરણ શું છે? તમને તેની સામે શું વાંધો છે?

જવાબ : વાંધો મને નહીં એને છે. વર્ષો પહેલાં અમારી કોમનો એક છોકરો દારૂના ધંધામાં પકડાયો હતો તેને પોલીસે વધારે પડતું માર્યું અહીંયાંથી તો તેને છોડવ્યો, પરંતુ પછી ધારાસભ્ય ખરાશંકર જોષીને લઇને અમે બધા રજૂઆત કરવા ગયા. તે સમયે કુલદીપ શર્માએ કહ્યું કે, ઇભલો શેઠ હોય તે બેસે બાકીના બધા જાય. મને રોકીને કહે તુમ્હારી હિંમત કેસૈ હુઇ યહાં આને કી, તુમ સ્મગ્લર હો.

બસ એટલું બોલી મને તેની ચેમ્બરની બાજુના રૂમમાં હૂકમાં દોરડે લટકાવ્યો અને મોંઢામાંથી લાળ પડી જાય તેટલો માર માર્યો. આખા શરીરે લોહી હતું, મને પાણી ન આપવું તેવી સૂચના સ્ટાફને આપી હતી. ત્યાર બાદ શંકર મારાજ કરીને મારો એક ઓળખીતો મને રિક્ષામાં નાખીને દવાખાને લઇ ગયો. ડોક્ટરે પણ સારવાર કરવાની ના પાડી.

પ્રશ્ન: તમે તો આગેવાન ગણાતા, કોઇએ બચાવ્યા નહીં?

જવાબ : તે જ દિવસે મંત્રી મહંત વિજયદાસજી ભુજમાં હતા, પરંતુ મને કોઇએ મદદ ન કરી મેં મારા પૈસા ખર્ચીને કોંગ્રેસને ઘણી મદદ કરી છે, પરંતુ આ લડતમાં મને સાથ મળ્યો નથી. હું અપક્ષ ચૂંટણી લડ્યો ત્યારે મતગણતરીના પહેલા જ રાઉન્ડથી ૨૫૦૦ મતે આગળ હતો. મારો હરીફ કનુભા ૧૮૦૦૦ મત મેળવનાર હતા પરંતુ બળપ્રયોગ અને સરકારમાં આમ તેમ કરીને મત પેટીઓ સગેવગે કરી મને હરાવવામાં આવ્યો.

બધા પક્ષોને એવું થયું કે અપક્ષ આ માણસ ચૂંટાશે તો આપનું કાયમનું નામું નખાશે. આ આખી પ્રક્રિયામાં પણ કુલદીપ શર્મા હાથો બન્યા હતા. (શા માટે અચાનક ઇભલા શેઠને મારવાનું ડીએસપીને મન થયું અને મતપેટીઓ પોલીસ અધિકારી કઇ રીતે આડીઅવળી કરી શકે તે તર્ક માગી લે તેવી વાત છે.)

પ્રશ્ન : એન્કાઉન્ટરની વાત શું છે?

જવાબ : જુઓ ભાઇ મને એણે ખૂબ માર્યો હતો અને પૈયા પાસેના જે એન્કાઉન્ટરની વાત આવે છે તે પણ ખોટી નથી. મારે એ લોકો સાથે કોઇ સંબંધ નહોતા, પરંતુ હું તેમને ઓળખતો હતો. જ્યારે એ બંનેને ત્યાં લઇ જવાયા, ત્યારે બીએસએફના અધિકારીએ કહ્યું કે આ મારી હદ છે, અહીંયા કંઇ ન કરો. પરંતુ બિશ્નોઇએ ફાયરિંગ કર્યું હતું તે વાત સાચી છે જ્યારે કુલદીપ શર્માનો કેસ ફરી ઉખડ્યો છે એવું મેં છાપામાં વાંચ્યું, ત્યારે મને એમ લાગ્યું કે, કુદરતને ત્યાં દેર છે અંધેર નથી.

પ્રશ્ન: સૌહરાબુદ્દીન એન્કાઉન્ટર વિશે શું માનવું છે?

જવાબ : એમાં હું કાંઇ જાણતો નથી એટલે કોઇ કોમેન્ટ ન કરું.

પ્રશ્ન : તમારી રાજકીય પ્રવૃત્તિ કેમ ઠપ્પ થઇ ગઇ?

જવાબ : શું વાત કરું તમને. મને યાદ નથી કે મેં કેટલા ધારાસભ્ય બનાવ્યા હશે. કોંગ્રેસને મેં ઘણી મદદ કરી છે. અંજારમાંથી ધારાસભ્ય તરીકે ઉમેદવાર નહીં ચૂંટાય તેવી બીક લાગી ત્યારે અબડાસામાંથી તે ઉમેદવારને ચૂંટણી લડાવાઇ હતી અને અબડાસાના કોંગ્રેસના બે ઉમેદવાર તો મારા ખભે જ ચૂંટણી જીત્યા છે.

ભાજપ અને જનતાદળના ગઠબંધન વખતે ચીમનભાઇના આદેશથી મેં ભાજપના ઉમેદવારને પણ મદદ કરી હતી. હું આજે પણ કહું છું કે, આ વિસ્તારમાં હું ઠુંઠું ઊભું રાખું તો પણ એ જ ચૂંટાય, પરંતુ મને હવે લાગે છે કે મોટે ભાગે મારો ઉપયોગ થયો છે. (કચ્છના જૂના અગ્રણીઓથી માંડીને અત્યારના ક્યા પક્ષના ક્યા નેતાને ઇભલાનો સાથ મળ્યો હતો તે સર્વવિદીત છે.)

પ્રશ્ન : પોલીસ અને કસ્ટમ કંઇ પાગલ થોડા છે કે અકારણ તમને પકડે?

જવાબ : એ તો હવે એ લોકો જાણે. પોલીસમાં તો કુલદીપ શર્માને મારા નામની પાછળ લાગતા શેઠ શબ્દને વાંધો હતો અને મને કોઇપણ રીતે બદનામ કરીને ફસાવવો તે જ તેનું મિશન હતું.

પ્રશ્ન : અત્યારે સક્રિય છો?

જવાબ : ના, હવે હું મારા ફાર્મહાઉસમાં જ સમય વિતાવું છું, પરંતુ જે શંકરસિંહ વાઘેલાએ મારું સન્માન કર્યું તે જ અત્યારે સરકારની વિરુદ્ધ બોલવા માટે એવું કહે છે કે જૂના કેસ ઉખેડીને ભાજપ અધિકારીઓનું મોરલ તોડે છે. મારી સામે પડનાર અધિકારીને જો કોંગ્રેસ સપોર્ટ કરશે તો હું કોંગ્રેસ અને ભાજપ બંને સામે મેદાને જંગમાં ઉતરીશ, બાકી અમે મરીએ તોય ભાજપમાં ન જોડાઇએ.

કોણ અને શું છે ઇભલા શેઠ

અબ્દુલા હાજી ઇબ્રાહીમ એટલે કે ઇભલા શેઠના પોતાના કહેવા પ્રમાણે તેમનો જન્મ અબડાસાના કાળાતળાવ ગામે થયો હતો. ત્યાં તેમના પિતાની અનાજની દુકાન હતી પોતે નાનપણથી દુકાને બેસતા ગ્રાહકો આવતા એટલે કાં શેઠ એમ કહીને બોલાવે તેના પરથી નામ ઇભલો શેઠ પડ્યું.

પોતે કહે છે કે, હું જુગારમાં એક્કો હતો અને મેળામાં જુગાર રમાડતો પણ ખરો, જ્યારે કોઇ ગરીબ માણસ વધારે પૈસા જીતે ત્યારે તેને ઘરે મૂકવા માટે બે વ્યક્તિને સાથે મોકલતો કે તેને કોઇ લૂંટી ન લે. જુગારમાં મારુ નામ થયું તેની સાથે જ લોકોને પણ મેં મદદ કરવાનું શરૂ કર્યું તેથી મારૂ વર્ચસ્વ વધ્યું બાકી દાણચોરી મેં કરી નથી. ઇભલા શેઠનો આ ઇનકાર કસ્ટમ અને પોલીસ ખોટો પાડી ચૂક્યા છે. શેખરાણ પીરની દરગાહ પાસેથી જપ્ત થયેલા ચાંદીના જથ્થાવાળા કેસમાં ઇભલાનું નામ કસ્ટમના ચોપડે ચડ્યું હતું તેઓ ચાર જિલ્લામાંથી તડીપાર પણ થયા હતા.

સૌહરાબુદ્દીન એન્કાઉન્ટરવાળા ડી. જી. વણઝારા જ્યારે મહેસાણા હતા ત્યારે ઇભલા શેઠના વાહનને રોકવામાં આવ્યું હતું અને પોલીસે પૂછ્યું હતું કે શસ્ત્રો ક્યાં છે. ઇભલા શેઠના કહેવા મુજબ તેમની પાસે શસ્ત્રો નહોતા અને પોલીસે જેટલા માગ્યા તેટલા પૈસા પણ નહોતા.

કુલદીપ શર્મા ન હોત તો કચ્છ મિનિ પાકિસ્તાન હોત

ઇભલા શેઠ જ્યાં રહે છે તે અબડાસા અને કચ્છના અન્ય વિસ્તારના લોકો સ્પષ્ટ કહે છે કે એક સમયે કચ્છની સરહદ જાકબ બાવા, પ્રાગજી જાડેજા, જુવાનસિંહ, ઇભલા શેઠ વગેરેની પ્રવૃત્તિના કબજામાં હતી. ઇલેકટ્રોનિક આઇટેમ અને સોનાચાંદી ગેરકાયદે ઘૂસાડવામાં આવતા. કુલદીપ શર્માએ આ તમામનું નેટવર્ક તોડ્યું હતું. જો તે ન હોત તો કચ્છ દેશ વિરોધી પ્રવૃત્તિઓનું મથક હોત અને અમે તો બપોરે જમવા જવાને બદલે નમાજ પઢતા હોત.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.