આજીવન અહિંસાના પર્યાય રહેલા બાપુની પ્રતિમાને જન્માષ્ટમીની રાતે માનસિક વિકૃતિ વાળા શખ્સ ખંડિત કરી ગયા
ગાંધીજીની જન્મતિથિ ૨ ઓક્ટોમ્બરને એક માસની વાર છે, ત્યાં જ ગુરુવારે મોડી રાત્રે ભુજ મ્યૂઝિયમની સામે આવેલી ગાંધીજીની પ્રતિમાને કોઇ હરામખોરો ખંડિત કરી નાક, કાન કાપી રાષ્ટ્રપિતાનો ચહેરો કદરૂપો કરતાં શહેરમાં આ હિચકારા કૃત્યથી સોંપો પડી ગયો હતો.દેશના રાષ્ટ્રપિતાનું અપમાન કરનારા શૈતાનોને પકડી જાહેરમાં સજા કરાય તેવી માગણી ભુજવાસીઓએ કરી હતી. મળતી વિગતો મુજબ વહેલી સવારે સિનિયર સિટીઝન એવા નરેશભાઇ વચ્છરાજાની મોર્નિંગ વોક પર નીકળ્યા હતા, ત્યારે તેમની નજર પ્રતિમા પર પડતા ગાંધીજીની મૂર્તિને કોઇ નુકસાન પહોંચાડ્યું હોય તેવું જણાતાં તેમણે નગરપતિને ફોન કરી ઘટનાથી વાકેફ કર્યા હતા.
આ સમાચાર વાયુવેગે ભુજમાં ફેલાઇ જતાં દેશદાઝ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. નગરપતિ દેવરાજ ગઢવી સહિત અન્ય અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચી મૂર્તિનું નિરીક્ષણ કરી ખંડિત મૂર્તિ પર સફેદ કપડાથી ઢાંકી દીધી હતી. માનસિક વિકૃતિ ધરાવતા આ ભાંગફોડિયા તત્વો દ્વારા યેનકેન પ્રકારે કોમી એકતાને પલીતો ચોપવા આવા કૃત્યો કરાતા હોય છે, ત્યારે આવા તત્વોને સબક શીખડાવવા પોલીસ તાબડતોડ પગલાં ભરે એવો આક્રોશ નગરજનોમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.
આજે ગાંધીજીનું અપનામ કરાયું છે. કાલે શહેરમાં અન્ય પ્રતિમાઓને નુકસાન કરાશે તો ? એવો પ્રશ્ન પણ જાગૃત નાગરિકોએ ઉઠાવ્યો હતો. આવા કૃત્યથી કોમી રમખાણો પણ ફાટી નીકળવાની શક્યતાઓ છે. તેથી શહેરની અન્ય પ્રતિમાઓને આવા કૃત્યો રોકવા જરૂરી છે. તંત્ર સુરક્ષા બક્ષે એ જરૂરી છે.
મહાત્માનું અપમાન કરનારને કડક સજા કરાશે
આ કૃત્ય કરનારાઓ સામે પગલાં ભરાશે. મહાત્માનું અપમાન સહન નહીં કરાય. આવા અસામાજિક તત્વોની ફોજને કેન્દ્રમાં બેઠેલી સરકાર પ્રોત્સાહન આપે છે. તેથી તેમને છુટો દૌર મળે છે, પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર આ નહીં ચલાવી લે, જ્યાં સુધી અમે બેઠા છીએ ત્યાં સુધી આવા લોકોની ખેર નથી. શહેરની અન્ય પ્રતિમાઓને રક્ષણ આપવું શક્ય નથી, પરંતુ તંત્ર કંઇ એવા પગલાં ભરે એવી રજુઆત અમે કરીશું.
ત્વરાએ શૈતાનોને પકડે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
પોલીસે લોક લાગણી દુભાવનારા આ તત્વોને ત્વરાએ શોધી સજા કરવી જોઇએ. ગાંધીજી રાષ્ટ્રનેતા છે દરેક લોકોના હદયમાં બેઠેલા છે. આ કૃત્યે દરેક કચ્છીઓની લાગણી દુભાવી છે. પોલીસે આવા કૃત્યો રોકવા ચોક્કસનીતિ નક્કી કરવી જોઇએ.
પ્રતિમાને કેવી રીતે ખંડિત કરાઇ છે ?
ગાંધીજીની પ્રતિમાને મોડી રાત્રે નુકસાન કરાયું હોવાનું જાણવા મળે છે. પ્રતિમાના ચહેરાને શૈતાનોએ એ હદે કદરૂપો કરી નાખ્યો છે કે, ઓળખવો મુશ્કેલ પડે. નાક રીતસરનું કાપી લેવાયું છે, ઉપરાંત કાન, ગાલ પર કોઇ વસ્તુથી પ્રહાર કરી તોડવા પ્રયાસ કરાયા હોય તેવું સાફ નજરે પડે છે.
પોલીસની ઇજજત ઉતારી ગયા
હાલે તહેવારોનો માહોલ છે, ત્યારે શહેરમાં પેટ્રોલિંગ કરતી પોલીસની આંખમાં ધૂળ ઝોંકી આ બદમાશો રાષ્ટ્રપિતાનું તો નાક કાપી અપમાન કરી ગયા સાથે પોલીસની ઇજજત પણ ઉતારી ગયા, વિધિની વક્રતા તો એ છે કે, સિટીપોલીસ સ્ટેશન પ્રતિમાથી માંડ ૩૦૦ મીટરની દૂર પર છે, છતાં રાષ્ટ્રપિતાની રક્ષા કરવામાં પોલીસ ઉણી ઉતરી.
આ અંગે સિટી પીઆઇ બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, દોઢ વાગ્યા સુધી અમે હાજર હતા મેળાનો માહોલ હતો, પરંતુ તે પછી કોઇએ ટીખળ કરી છે. એમ અમારાથી બનતા પ્રયાસો ગુનેગારને શોધવા કરીએ છીએ.
પોલીસ ફરિયાદ નોંધાવી છે : નગરપતિ
નરાધમ, નીચ માણસ હોય તે આવું કૃત્ય કરે, હવે શહેરની અન્ય પ્રતિમાઓને પણ સુરક્ષિત રાખવા સુધરાઇ તકેદારીના પગલાં લેશે. આ ઘટના સંદર્ભે અમે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસ તપાસ પૂરી પાડ્યા બાદ આ પ્રતિમાને મૂળ સ્વરૂપમાં લાવવા અમે કામગીરી કરશું તથા પ્રતિમાને કોઇ નુકસાન ન પહોંચાડે તે હેતુ આસપાસની ગ્રીલ ઉંચી કરાશે.
બધી પ્રતિમાઓને સુરક્ષિત કરવી અશ્કય છે : કલેક્ટર
અમે કારણ શોધીએ છીએ, જો કોઇ પકડાશે તો પગલાં ભરશું. સુધરાઇને પણ સૂચના આપી દીધી છે. પ્રતિમાને મૂળ સ્વરૂપમાં લાવવાની અન્ય પ્રતિમાઓનો સવાલ છે, તો બધીને કેવી રીતે સુરક્ષિત કરી શકાય.