GMDCએ ૧૬ પાર્ટીને સસ્પેન્ડ કરી
Bhaskar News, Gandhidham
| Jul 10, 2012, 02:44AM IST
તાજેતરના સમયમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. દ્વારા લિગ્નાઇટના ક્વોટાના નિયમનો ભંગ કરીને આડેધડ વેચસાટ કરનારા કચ્છના ૧૬ સહિત રાજ્યભરના અંદાજે એકસો જેટલા ટ્રાન્સપોર્ટર-ઉદ્યોગો સામે ટેમ્પરરી સસ્પેન્શન જેવા પગલાં ભરવામાં આવ્યા બાદ હજુ સુધી માત્ર બે-ત્રણ પાર્ટીએ જ આ મામલે પોતાનો પક્ષ જીએમડીસી સમક્ષ રજૂ કરીને પગલાં હળવાં કરાવવા કાર્યવાહી કરી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે.
જીએમડીસીના અમદાવાદ સ્થિત જનરલ મેનેજર (લિગ્નાઇટ પ્રોજેક્ટ-સેલ્સ) એ.એલ.ઠાકોરના જણાવ્યા મુજબ આ કાર્યવાહીને લાંબો સમય પસાર થઇ ગયા પછી પણ આ સોએક કસૂરવારોમાંથી માત્ર બે-ત્રણે જ જીએમડીસીનો સંપર્ક સાધીને એફિડેવિટ કરી છે અને એક વખત થઇ ગયેલી ભૂલ હવે ફરીથી દોહરાવવામાં નહીં આવે એવી ખાતરી આપી છે.
આ તમામ ટ્રાન્સપોર્ટર/ઉદ્યોગોને જીએમડીસીના સ્ટાફ દ્વારા એપ્રિલ-મે મહિનામાં ગેરરીતિ કરવા સબબ ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમાં માધાપરની શ્રદ્ધા રોડલાઇન્સ સામે તો જીએમડીસીના ચીફ જનરલ મેનેજરે પગલાં ભર્યાં હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે.
કચ્છમાં કોણ ટેમ્પરરી સસ્પેન્શન હેઠળ ?
ટ્રાન્સપોર્ટર/ઉદ્યોગ કયા કારણે કસૂરવાર ?
શારદા રોડલાઇન્સ, માધાપર મેઘમણી ફાઇનકેમ માટે માલ લઇ જવાતો હતો
ચામુંડા કૃપા રોડલાઇન્સ, ભુજ વી.ટી.ફૂડ, મહુવા માટે માલ લઇ જવાતો હતો
મેકણ કૃપા, રતનાલ ચામુંડા બ્રીકસ માટે માલ લઇ જવાતો હતો
મેકણ કૃપા, રતનાલ એસ.જે. બ્રીકસ માટે માલ લઇ જવાતો હતો
આકાશ મિનરલ્સ, દરશડી અમીરગઢ ખાતે ગેરકાયદે લિગ્નાઇટ સપ્લાય માટે
શ્રધ્ધા ટ્રેડિંગ કુ. આકાશ મિનરલ માટે માલ લઇ જતો હતો
જીનામ રોડ કેરિયર્સ લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
ચામુંડા કૃપા રોડલાઇન્સ લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
શ્રદ્ધા ટ્રેડિંગ કુા. લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
શ્રી લક્ષ્મી કેરીટ્રેડ કાુ. લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
વી.એ.રોડલાઇન્સ લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
સુંદરમ્ રોડલાઇન્સ લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
જિનામ રોડ કેરિયર્સ લિગ્નાઇટના ગેરકાયદે સપ્લાય માટે
ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝ સાઇટ વિઝિટ દરમિયાન આ મિલ બંધ હતી
શક્તિ એગ્રીક ફૂડ્સ, ગાંધીધામ સાઇટ વિઝિટ દરમિયાન આ મિલ બંધ હતી
યુરો સિરામિક લિ., ભચાઉ અન્ય પાર્ટીને ગેરકાયદે લિગ્નાઇટ સપ્લાય માટે.
શું છે રમત ?
જીએમડીસી દ્વારા માત્ર ખરેખરા વપરાશકારને જ હવે લિગ્નાઇટ આપવામાં આવે છે. આમાં પણ નિગમ અનેક લાઇસન્સ-દસ્તાવેજોનો આગ્રહ રાખે છે. ખોટું કરવાવાળા તમામ કાગળિયા પૂરા કરી શકે એમ ન હોય, ત્યારે જે કંપનીઓ બંધ થઇ ગઇ હોય તેના નામના બોગસ ડિલિવરી ઓર્ડરનો ઉપયોગ કરે છે. આવા ડીઓ કઢાવીને પછી થર્ડ પાર્ટીને પ્રતિ ટને રૂ. ૧૦૦૦થી ૧પ૦૦ની ઓને લિગ્નાઇટ વેચી નાખે છે.





