નર્મદા નિગમના ડાયરેક્ટરના મતે રાજ્યના બજેટમાં જોગવાઇથી કામમાં જોરદાર ગતિ આવી જશે
નર્મદાના સિંચાઇના પાણીનું વર્ષોથી સપનું સેવનારા કચ્છી માડુ માટે રાજ્ય સરકારે આગામી નાણાકીય વર્ષમાં ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચવાનો નિર્ણય કર્યો હોવાનું સરદાર સરોવર નર્મદા નિગમના કચ્છી ડાયરેક્ટર મુકેશ ઝવેરીએ આજે જણાવ્યું હતું.
રાજ્ય વિધાનસભામાં નાણામંત્રી વજુભાઇ વાળાએ રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રને ટાંકીને મુકેશભાઇએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં સરદાર સરોવર યોજના હેઠળ બ્રાન્ચ નહેરના કામો, ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલના કામો R ૩૫૦૦ કરોડના ખર્ચે હાથ ધરાશે. તેમના જણાવ્યા મુજબ કચ્છમાં ભચાઉ, માંજુવાસ અને ફતેહગઢમાં ઉભા થનારા ત્રણ પિમ્પગ સ્ટેશન માટે પણ નાણામંત્રીએ R ૫૧૫ કરોડ ફાળવતા કુલ R ૪૦૧૫ કરોડની ફાળવણી માત્ર કચ્છ જિલ્લા માટે ૨૦૧૧-૧૨ના વર્ષ માટે થઇ છે. આટલી જંગી ફાળવણીને કારણે કચ્છમાં સિંચાઇના કામમાં ચોક્કસ ગતિ આવી જશે એમ તેમણે ઉમેર્યું હતું.
નાણા મંત્રી વજુભાઇએ બજેટ સંબોધનમાં જણાવ્યું હતું કે કૃષિ -ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ સફળ પ્રયોગને વધુ સક્ષમ બનાવવા માટે સિંચાઇને અગ્રિમતા આપવાના હેતુથી અગાઉની R ૩૫૦૦ કરોડ જેટલી ફાળવણીને લગભગ બમણી કરી સરદાર સરોવર યોજના હેઠળ માતબર જોગવાઇ R ૭૦૧૦ કરોડ કરવામાં આવી છે. આ ૭૦૧૦ કરોડમાંથી એકલા કચ્છ માટે જ ૪૦૧૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.