પાકિસ્તાનમાંથી હવે ઠગાઇના મિસ્ડ્કોલ આવવાના શરૂ થયા : ફોન કરતા આંખ પહોળી થઇ જાય એટલું બેલેન્સ ઉડી જશે
પાકિસ્તાનમાંથી ભારતમાં છેતરપિંડીના નામે અનેક ફોન આવતા હોવાના બનાવો નોંધાયા હતા. પરંતુ આ વાત લોકો સમજી જતાં હવે પાકિસ્તાનમાં બેઠેલા ઠગીઓએ લોકોને બાટલીમાં ઉતારવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પાકિસ્તાનથી હવે ઠગીઓ લોકોને મિસ્ડ્કોલ કરે છે. લોકો આગળના +૯૨ નંબર જોયા વગર જ સીધે સીધો ફોન કરી દેતાં તેઓના બેલેન્સમાં એક ઝાટકે આંખો પહોળી થઇ જાય એટલું બેલેન્સ ઉડી જાય છે.
પાકિસ્તાનથી આ પહેલા ભારતમાં લોકોને લોભામણી જાહેરાત આપી ઠગવાના પ્રયાસ કરાતા હતા. આ લોભામણી જાહેરાતોમાં અનેક લોકો ફસાયા બાદ જાગૃતિ આવી હતી. પરંતુ હવે પાકિસ્તાનમાં બેઠેલા લોકોએ ઠગાઇનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેઓ હવે લોકોને મિસ્ડ્કોલ કરે છે. પોતાના ફોનમાં મિસ્ડ્કોલ જોતાં અનેક લોકો આગળ +૯૨ નંબર જોયા વગર જ સીધે સીધો ફોન કરી નાખે છે.
ફોન કરતાની સાથે લોકોના ફોનમાંથી આઇએસડીના રેટ પ્રમાણે બેલેન્સ ઉડી જાય છે. તો સામા પક્ષે ફોનમાં પણ પાકિસ્તાનમાં બેઠેલા ઠગીઓ કોલ કરનારાને લોભામણી ઓફર આપે છે. તમે લક્કી ડ્રોમાં વિજેતા થયા છો, તમારા મોબાઇલ નંબર ખાસ કંપની દ્વારા સિલેકટ કરવામાં આવ્યો છે તેવું જણાવી બાટલીમાં ઉતારવાની કોશિશ કરાય છે. અને જો ગ્રાહક ચતુર હોય તો ફોન કટ કરી નાખે છે, પરંતુ બેલેન્સમાં આંખ પહોળી થઇ જાય એટલી ખોટનો સામનો તો કરવો જ પડે છે.