કચ્છમાં સર્વાંગી વિકાસ પછી માળખાકીય સુવિધાઓને વધુ સદ્રઢ અને અધ્યતન બનાવવા માટે રૂ.૨૧૬૫ કરોડ જેટલી માતબર રકમ મુખ્યમંત્રીએ ફાળવી છે તેની સામે કચ્છના વિકાસ અને સદભાવનાનો વિરોધ કરતા કોંગ્રેસ મોવડીઓને કેન્દ્ર સરકાર, પાસેથી કચ્છના વિકાસ માટે રકમ લઇ આવવાનો જાહેર પડકાર કચ્છ ભાજપના અધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાલીએ ફેંકયો હતો.
આકરી ટીકા કરતાં ઉમેર્યું હતું કે,અમીચંદ-જયચંદ વારસોએ જાણે કચ્છના નામે નાહીં નાખ્યું હોય તે પ્રકારના હાસ્યાપદ કાર્યક્રમો યોજી, કચ્છમાં કોંગ્રેસના અસ્તિત્વનો મૃત્યુઘંટ વાગી ગયો હોય તેમ જ્યારે મૂંડન કરાવી જ નાખ્યા છે જો આ કોંગ્રેસીઓને ખરેખર કચ્છ અને કચ્છીઓના હિતની ચિંતા અને લાગણી હોય તો ‘મૂંડન’સાથે જ દિલ્હી જઇ કોંગ્રેસની નેતૃત્વવાળી સરકાર પાસેથી પાંચેક હજાર કરોડ જેટલી રકમ કચ્છના વિકાસ માટે લાવવી જોઇએ તો પ્રજાને વિશ્વાસ બેસે કે, તેમને પણ કચ્છના હિતની સાચી ચિંતા છે.
દાયકાઓના દાયકા સુધી કોંગ્રેસ શાસન કર્યું પણ વિકાસ અને સુવિધાક્ષેત્રે ગોકળગાયની ગતિએ મર્યાદિત વિકાસ કર્યો, ત્યારે ભાજપની સરકારે માત્ર એક દાયકામાં અને તે પણ ભૂકંપ પછી સાવ ભાંગલી હાલતના કચ્છને ઝડપભેર ઊભું કરી આજે વિકાસથી ધબકતું કરી દીધું છે, તે હકીકતથી કોંગ્રેસના આગેવાનો અજાણ હોય તો તેમને વાસ્તવિક હકીકત સમજાવવી જોઇએ .