કચ્છમાં વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપ બાદ જે લાભાર્થીઓએ બેવડી સહાય લીધી છે તેવા પરિવારજનો અને વ્યક્તિઓ સામે ત્રણ-ત્રણ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા વારંવાર તંત્રમાં નીચલીકક્ષાએ સૂચના આપ્યા છતાં પાંચેક હજાર કેસમાં હજુ સુધી પોલીસ ફરિયાદ ન કરવા પાછળ જિલ્લાકક્ષાએ રાજકીય બ્રેક મારવામાં આવી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભલે ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ એમ કહીને સભાઓ ગજવતા હોય, પરંતુ કચ્છમાં જાણે કે કરોડોની બેવડી સહાયની કટકી હજમ કરવા માટે રાજકીય દબાણ કામ કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
પતિ-પત્ની બંને સહાય મેળવી હોય, એકથી વધારે મકાન માટે નાણાં મેળવ્યાં હોય અને ખોટા કેટેગરી પ્રમાણપત્રો બનાવીને આર્થિક લાભ મેળવ્યો હોય તેવા પાંચેક હજાર કેસમાં સૌથી વધારે પ્રકરણ ૩૩૦૦ કેસ તો માત્ર ભચાઉ તાલુકામાં જ છે. ત્યાર બાદ ભુજમાં એક હજાર અને ૭૦૦ કેસ અંજાર તાલુકામાં છે.
કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા ડીડીઓ હારિત શુક્લાથી માંડીને પ્રફુલ્લ હર્ષે અને હાલના જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનિવાલે તાલુકાકક્ષાએ ટીડીઓને રિકવરી ન થતી હોય તેવા પ્રકરણમાં પોલીસ ફરિયાદ કરવાની વારંવાર લેખિત સૂચના આપવા છતાં સ્થાનિકકક્ષાએ ફોજદારી કાર્યવાહી ન થવા પાછળ જિલ્લાનું રાજકારણ ભાગ ભજવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
ડીડીઓ રાજકુમાર બેનિવાલે રિકવરી અને ફોજદારી કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, વીસેક કરોડની વસૂલાત તો કરવામાં આવી છે અને જેમાં રિકવરી નહીં થાય એમાં પોલીસ કાર્યવાહીની પણ સૂચના આપવામાં આવતી હોય છે.
મોકરશીવાંઢમાંથી પકડાયું હતું કૌભાંડ
અંદાજે ૫૯ કરોડની બેવડી સહાયના કૌભાંડનો સૌથી પહેલીવાર પર્દાફાશ હારિત શુક્લા નામના ડીડીઓના કાર્યકાળ દરમિયાન અબડાસા તાલુકાના મોકરશી વાંઢમાંથી થયો હતો, જ્યાં પર લાખની ઉચાપતનો કેસ ગામના સરપંચ અને ટીડીઓ સામે કરવામાં આવ્યો હતો.