રાપર વિસ્તારના ધારાસભ્ય બાબુભાઇ શાહે મુખ્યમંત્રી વિશે હળાહળ જુઠ્ઠાણુ ફેલાવ્યું છે. તીનપત્તીના અઠંગ ખેલાડી એવા તેઓએ વારે ઘડી પાર્ટીઓ બદલી છે. તેઓ કચ્છના વિકાસની કોઇપણ રજૂઆત કરવા ગયા જ નથી. જરૂર પડે ભાજપ આવાં કૃત્ય બદલ તેમની સામે પગલા સાથે બદનક્ષીનો દાવો પણ માંડશે તેવું આક્રોશ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું.
વાસ્વવિકતામાં કચ્છ તરફ કોઇ પણ રાજકીય આગેવાનોનું ધ્યાન નહોતું પણ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને સિંગાપોર બનાવવાનું સ્વપ્નું સેવેલું જે સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. કચ્છના વિકાસના વિરોધીઓને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચે છે. મુખ્યમંત્રી કચ્છ માટેના શબ્દોના ઉચ્ચારણથી કચ્છના અને ગુજરાતના વિરોધીઓની માનસિકતા છતી થઇ છે.
વિચાર અને સંસ્કારથી ખરડાયેલા આવા નેતાના મોઢે જુઠ્ઠાણા સિવાયની અપેક્ષા શું રાખી શકાય ? મુખ્યમંત્રી મોદીએ કચ્છના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થી વિદેશથી લઇ આવી માદરે વતન પહોંચાડી દેશભક્તિની સુવાસ પ્રસરાવી છે. મોદીએ પ્રવચનોમાં કહ્યું છે કે, હું કાં તો અગાઉના જન્મમાં કચ્છની કોઇ માતાના કુખે જન્મેલો હોઇશ અથવા મારો આવનારો જન્મ કચ્છની કોઇ માતાના કુખે થવાનું હશે આવું કહેનાર કચ્છની પ્રજા વિશે ખરાબ બોલવાનું તો ઠીક ખરાબ વિચાર પણ શકે નહીં.
કચ્છને અત્યાર સુધીના કોંગ્રેસના નેતાઓએ શું આપ્યું છે ? બાબુભાઇ પણ એક વખત પાણી પુરવઠા મંત્રી હતા અને પછી નાણાં મંત્રી જેવા મહત્વના હોદ્દા ઉપર પણ હતા તમારો ભૂતકાળ યાદ કરો તમે કચ્છ અને કચ્છીઓને લાગણીની મજાક ઉડાડી છે.
ગરીબોને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગરીબીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે બાબુભાઇ તેમના જેવા મગજ વગરના કોંગ્રેસના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે.