ભુજ તાલુકામાં પ્રોઢ શિક્ષણની પ્રવૃત્તિને પુન: જીવિત કરવા માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ૭૨ પ્રેરકોની ભરતી કરવામાં આવી રહી છે. જેઓ ટૂંક સમયમાં કામે લાગી જશે.
રાજ્ય સરકાર દ્વારા જે પ્રોઢ વ્યક્તિઓ શાળાએ ગઇ નથી તે પણ ભણી શકે તે માટે પ્રોઢ શિક્ષણની પ્રવૃતિ ઘણા સમયથી ચલાવાય છે. ચાલુ વર્ષે વાંચે ગુજરાત અભિયાન હેઠળ આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
આ અંગે કેળવણી નિરીક્ષક ફફલનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, તાલુકામાં ૭૨ પ્રેરકોની ભરતી કરવામાં આવી છે. તે માટે તા.૩૦/૮ના તાલુકા પંચાયત ખાતે ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા. જેમાં તાલુકા ભરમાંથી ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા, તેઓને ટૂંક સમયમાં જ ઓર્ડરો અપાશે.
આ પ્રેરકોને માસિક રૂ.૨૦૦૦નો ફિક્સ પગાર અપાશે અને તેઓ પોતાના ગામમાં લોકો વચ્ચે જઇને જે પ્રોઢ હજુ સુધી અશિક્ષિત હોય તેઓને ભણાવશે. થોડા સમયથી બંધ પડેલી આ પ્રવૃત્તિ ફરીથી શરૂ થતા લોકોને તેનો લાભ મળશે અને ભણવા માટે ઘરે બેઠા ગંગા આવશે.
ભરતીના સમયે તાલુકા પંચાયતના અધિકારી, પદાધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.