વારંવાર મરંમત અંગે રજૂઆત કરવા છતાં જવાબદારોએ તસ્દી લીધી નથી
આડેસરમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલી કન્યા શાળામાં ગઇકાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ શાળાની જર્જરિત છતમાંથી પોપડા પડતાં વિદ્યાર્થિનીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને એક છાત્રાના પગ પર પોપડા પડતા સામાન્ય ઇજા થઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ બપોરના સમયે છાત્રાઓ અભ્યાસ કરી રહી ત્યારે કલાસરૂમની જર્જરિત છતના પોપડાં અચાનક પડવાના શરૂ થતાં ભૂકંપ આવ્યોની બીકમાં છાત્રાઓમાં નાસભાગ મચી ગઇ હતી અને પોપડા એક બાળકીના પગ પર પડતાં ઇજા પહોંચી હતી. બનાવ બાદ છાત્રાઓ ભયભીત થઇ જતાં શાળામાં જતા પણ ડરતી હતી. આ ઘટનાના પગલે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગોકુળગામના સ્વપ્ન બતાવતાં નેતાઓને બાળકોની જાણે કોઇ પરવા નથી .
શાળાની મરંમત કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તથા ચોમાસાંમાં છત ઉપરથી પાણી ટપકે છે. આટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે બાળકો ભણે છતાં તંત્ર કે કોઇ નેતાઓએ મરંમત માટે કોઇ તસ્દી લીધી નથી. દર ઉનાળામાં પંખા પણ રિપેર કરાવવા પડે છે, ત્યારે હવે આ ગંભીર ઘટના પરથી કોઇ મોટી દુર્ઘટના ઘટે એ પહેલાં ત્વરાએ શાળાની મરંમત કરાવાય તેવી માગણી ઉઠી છે.