અદાણી પાવર લિમિટેડ દ્વારા આગામી ડિસેમ્બર ર૦૧૪ સુધી દેશમાં ૧૬ હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટ નાખવામાં આવશે. મુન્દ્રા નજીક ૪૬૨૦ મેગાવોટની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે એ દરમિયાન વીજ ઉત્પાદન માટે અન્ય પ્લાન્ટ પણ સ્થાપી દેવામાં આવશે.
અદાણી પાવરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિ શર્માએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, ૨૦૧૪ના અંતભાગ સુધીમાં છ પ્રોજેક્ટનું આયોજન કંપની દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ૧૦ હજાર મેગાવોટની ક્ષમતાવાળા વીજ ઉત્પાદન એકમોનું કામ માર્ચ ૨૦૧૩ના અંત સુધી થશે, જ્યારે ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં ત્રણ અન્ય પ્રોજેક્ટ હાથ ધરાનારો છે. આ તમામ વીજ એકમો કાર્યરત થશે એટલે એપીએલની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૧૬ હજાર મેગાવોટની થશે.
ત્રણ પ્રોજેક્ટ માટે R ૮૦ હજાર કરોડનું રોકાણ અંદાજવામાં આવ્યું છે. શર્માએ ઉમેર્યું હતું કે, મુન્દ્રા ઉપરાંત ભદ્રેશ્વર અને દક્ષિણ ગુજરાતના દહેજ ખાતે પણ પ્રોજેક્ટ અમલમાં મૂકશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના છીંદવાડા ખાતે ૧૩૨૦ મેગાવોટ પ્લાન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. માર્ચ ૨૦૧૩ સુધી મહારાષ્ટ્રના નિરોડા અને રાજસ્થાનના કવલ પ્રોજેક્ટ પણ કાર્યરત થઇ જશે.