બૃહદ કચ્છીઓને અવસરમાં સામેલ કરવા જિલ્લા ભાજપની ટીમ મુંબઇ જશે
નર્મદાના નીરથી કચ્છ નંદનવન બનશે એવું સ્વપ્ન સાકાર થવાનું બાકી છે ત્યારે રાપર શાખાથી ભચાઉ તરફની નર્મદા કેનાલનું ખાતમુહૂર્ત નક્કી કરાયું છે. નવમી એપ્રિલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રાપરમાં ભૂમિપૂજન કરાશે. પમ્પિગ સ્ટેશન સહિત સાત સ્થળનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ અવસરે કચ્છી અને બૃહદ કચ્છીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ઘડી કઢાયું છે. જેના ભાગરૂપે મોવડીઓ મુંબઇ વસતા કચ્છીઓને આમંત્રણ પાઠવવા જશે.
મુંબઇ ખાતે ગુરુવારે તા. ૨૪મી જુદા જુદા વિસ્તારમાં આઠેક મીટિંગોનું આયોજન કરાયું છે. તેવી માહિતી આપતા કચ્છ ભાજપ મહામંત્રી પંકજભાઇ મહેતાએ જણાવ્યું હતું કે કચ્છ ભાજપની એક ટીમ આવતી કાલે મુંબઇ જઇ રહી છે. તેઓ વિવિધ સમાજના કચ્છી આગેવાનો સાથે બેઠક યોજી વિધિવત નિમંત્રણ પાઠવશે. મુંબઇમાં દાદર, વાસી, મુલુન્ડ, બોરિવલી, થાણા વગેરે વિસ્તારોમાં બેઠકોનું આયોજન થઇ ચૂક્યું છે.
જ્યારે સરદાર સરોવર નિગમના ડાયરેક્ટર ઝવેરીએ ઉમેર્યું હતું કે, કચ્છ શાખાના ટેન્ડરોની મંજૂરી સુધીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સરકારે કચ્છ જિલ્લા માટે R ૪૦૫૦ કરોડની જંગી રકમ ફાળવી દીધી છે. અને કામ તેની સમય મર્યાદામાં ૨૦૧૨માં પૂરું કરી લેવાનો નિર્ધારછે.