રવિવારે કચ્છ પોલીસે જુદા જુદા સ્થળો દરોડા પાડી જુગાર રમતા કુલ ૧૮ શખ્સોને પકડી પાડ્યા હતા. ગાંધીધામમાં કુલ ૭.૩૪ લાખના મુદ્દામાલ સાથે આઠ આરોપીઓ સહિત જુગારની એક ક્લબ પર પોલીસ ત્રાટકી હતી. તો, અન્ય એક દરોડામાં પાંચ આરોપીઓ પકડાયા હતા. જ્યારે માંડવી તાલુકાના વીંગડિયામાં પણ પાંચ આરોપીઓ ઝડપાઇ ગયા હતા.
ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં મકાન નંબર ૧૭૯માં રવિવારે સાંજે એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં મકાન માલિક દેવીદાસ આશારામ સિંધી, શંભુ દેવજી આહિર, હરેશ લીલારામ ખીમાણી, અજય સીતારામ શર્મા, હરસુખ બાબુરામ જોષી, રાજેશ પરસોત્તમ વાછાણી, પરેશ જેઠાલાલ માહેશ્વરી તથા ટેકચંદ કિશનચંદ પંજવાણી નામના આરોપીઓ જુગાર રમતા રંગેહાથે પકડાઇ ગયા હતા. પોલીસે રોકડા રૂ.૧.૮૦ લાખ સાથે ૧૦ મોબાઇલ તથા એક કાર અને ચાર મોટર સાઇકલ સહિત કુલ ૭.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તો અન્ય એક દરોડો શહેરના ગણેશનગર વાવાઝોડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. બી ડીવીઝન પોલીસે કાનજી પુંજા મહેશ્વરી, વીશન મૂળજી મહેશ્વરી, ધનજી જેઠાલાલ ચૌહાણ, રામજી લાલજી ગીગોર, મોહન નારણ જરૂ નામના આરોપીઓને રોકડા R ૧૦૧૦૦ સાથે પકડી પાડ્યા હતા.
તો, માંડવી તાલુકાના વીંગડિયામાં રહેતા રતનદાન દેવીદાન ગઢવીના મકાનમાં આજે સાંજે તીનપત્તીનો જુગાર ખેલાઇ રહ્યો હતો ત્યારે ભુજની એલ.સી.બી.ની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં મકાન માલિક સહિત પરેશદાન અનુદાન, દિનેશદાન શકિતદાન, મહેન્દ્રદાન રવિદાન અને ગોપાલ દાન આવરદાન ગઢવીને પકડી પાડવામાં આવ્યા હતા.જેમની પાસેથી પોલીસે રોકડા ૩૫૫૦૦ અને ૨૫૦૦ ની કિંમતના પાંચ મોબાઇલ જપ્ત કર્યા હતા.
આ દરોડામાં એલ.સી.બી. પી.આઇ. ડી. વી. રાણાની સાથે હે.કો. દિલીપસિંહ, રાણાભાઇ, ગિરીશ વાણિયા, નિકુલસિંહ, કમલેશ ઓઝાએ કાર્યવાહી હાથ ધરી હતી.