સૌથી વધુ મુન્દ્રામાં સૂચિત રોકાણ થશે, વિધાનસભામાં કચ્છને લગતા વિવિધ સવાલો ઉઠાવાયા
વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૧૧માં કચ્છ માટે રૂપિયા ૧,૭૧,૫૦૧, કરોડનું સૂચિત રોકાણ કરવા એમઓયુ કરાયા હતા. ધારાસભ્યોએ વિધાનસભાના કામકાજ દરમિયાન પૂછેલા પ્રશ્નોમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુલ ૩૧૯ પ્રોજેક્ટ માટે કરારો થયા છે, જેમાં મુન્દ્રા માટે સૌથી વધુ રસ દાખવવામાં આવ્યો છે.
જયંતીભાઇ ભાનુશાલીએ વાઇબ્રન્ટ અંગેના સવાલોમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આંકડાકીય વિગતો રજુ કરી હતી. મુન્દ્રામાં ૨૭ એમઓયુ માટે સૂચિત ૪૨૫૯૭ કરોડનું સૌથી વધુ રોકાણ અંદાજવામાં આવ્યું છે. માંડવીમાં રૂ.૧૯૫૦૦ કરોડના ૧૩, અબડાસામાં ૧૫૦૨૪ કરોડના ૧૪, લખપતમાં ૮૩૩૦ કરોડના ૧૫, અંજાર માટે રૂપિયા ૨૦૪૩ સાથે ૩૨, ભચાઉમાં ૧૮૮૨ કરોડના ૮, નખત્રાણા માટે ૧૧૨૦ કરોડના ૧૯, રાપરમાં ૯૮૨ કરોડના સાત અને ગાંધીધામ માટે ૬૨૬ કરોડના ૩૫ સહિત અન્ય ૮૯ એમઓયુ માટે ૭૮૪૬૩ કરોડના સહિત કુલ ૧,૭૧,૫૦૧ કરોડનું સૂચિત રોકાણ દર્શાવાયું છે.
કચ્છમાં સિંચાઇ માટે નર્મદા પાણીના આયોજન અંગેના સવાલમાં સિંચાઇ મંત્રીએ જવાબ આપ્યો હતો કે, રાપર તાલુકામાં મોમાઇમારોથી નાની હમીરપર ગામ વચ્ચે ૧૧૨.૫થી ૧૩૩.૫૧ કિ.મી. ભાગમાં કામ શરૂ થયું છે. જે બે વર્ષમાં પૂરું થશે. જિલ્લાની કુલ ૧,૧૨,૭૭૮ હેકટર જમીનને સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આયોજન છે. મુન્દ્રાના ધારાસભ્ય રમેશ મહેશ્વરીના સવાલ બાદ ૫૯૦ બરોજગારોને સહાય અપાઇ હોવાનું જણાવાયું હતું, જ્યારે પોલીસ ખાતા માટે કચ્છમાં રૂ.૩૯.૮૨ કરોડના ખર્ચે વિવિધ કક્ષાના ૯૮૪ રહેણાક મકાન બાંધવામાં આવ્યા હોવાનું તથા વર્ષ ૨૦૧૦-૧૧ માટે રહેણાકના કોઇ મકાનો હાથ પર લેવાયા ન હોવાનું માંડવીના ધારાસભ્ય ધનજી સેંઘાણીને જવાબ અપાયો હતો.
છેલ્લા બે વર્ષમાં એક પણ જીઆઇડીસી નહીં
અબડાસાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં એમ પણ જણાવાયું હતું કે, ભુજમાં ૩, મુન્દ્રા, ગાંધીધામ ૨, રાપર, નખત્રાણા અને ભચાઉ, માંડવી અને અંજારમાં એક જીઆઇડીસી અસ્તિત્વમાં છે. છેલ્લા બે વર્ષથી નવી કોઇ જીઆઇડીસી શરૂ કરાઇ નથી.