ભુજમાં હમીરસર પાસે બે દિવસીય લોકમેળા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા ૧૨૪ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જેઓ ફરજની સાથે સાથે મેળાની પણ મોજ માણશે.
હમીરસર તળાવ પાસે પરંપરા મુજબ બુધ અને ગુરૂવારે યોજાઇ રહેલા મેળામાં શહેર અને ગામડાની હજારો માનવમેદની ઉમટી રહી છે. સાતમ-આઠમના આ મેળામાં લોકોના ખિસ્સાં કપાવાં, ચોરી, છેડતી કે ઝઘડા જેવા બનાવો અટકાવવા ૧૨૪ જેટલા પોલીસ કર્મચારી બંદોબસ્તમાં મૂકાયા છે.
શહેર પીઆઇ બી.ડી. જાડેજાએ કહ્યું કે, એમાંથી ૭૦ જેટલા પોલીસ કર્મી બહારથી બોલાવવામાં આવ્યા છે. સી.પી.આઇ. ડી.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ એક પીએસઆઇ, ૧૦૮ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, પ મહિલા કોન્સ્ટેબલ મેળામાં સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચિક્કાર મેદની વચ્ચે ખિસ્સાકાતરુ અને તસ્કરો તકનો લાભ ઉઠાવતા હોય છે. બે દિવસ પહેલાં જ ભુજના બસ સ્ટેશનમાં ગિરદીમાં એક વ્યક્તિનું ખિસ્સું કપાયું હતું. મેળામાં પણ આવી કોઇ ઘટના બને એ માટે પોલીસ કર્મી સાબદા બન્યા છે.