કચ્છ જિલ્લાને નર્મદાનું પાણી પીવા માટે મળતું થયું પછી પણ કચ્છના પ્રત્યેક નાગરિકને જેની આતુરતા ભરી રાહ હતી તે કચ્છ શાખા નહેરના તમામ કામો આગામી ત્રણ વર્ષમાં પૂરા કરવાનું આયોજન સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે, જે મુજબ કુલ R ૪૬૦૦ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની કાયાપલટ થનાર છે.
૩૬૦ કિલોમીટરની કુલ લંબાઇ ધરાવતી કચ્છ શાખા નહેરના કુલ - ૮૬ કિલોમીટર લંબાઇના બે પેકેજ તેમજ લભગભ વીસ માળના બિલ્ડિંગ જેટલી ઉંચાઇ સુધી નર્મદાના જળનું ઉદ્વહન કરવા માટેના ત્રણ પિમ્પંગ સ્ટેશન માટે કુલ R ૧૨૬૫ કરોડના કામો માટે કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યા છે. જેનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે ૯ એપ્રિલના રાપર ખાતે યોજાયેલા એક હજાર જાહેર સમારંભથી થઇ રહ્યો છે. કચ્છની પ્રજાનો નર્મદાના પાણી માટેનો લાંબી આતુરતાનો અંત આવશે.
કચ્છ શાખા નહેરનું કામ પૂરું થશે એટલે કચ્છ જિલ્લામાં આવેલી અન્ય ૯૬ નદીઓ કરતાં પણ આ સૌથી મોટી નદી હશે, જે બારમાસી હશે. એ કહેવું વધારે ઉચિત રહેશે કે, કચ્છનું નર્મદાના પાણીનું સ્વપ્ન હવે હકીકત બને છે, જે કચ્છની સમૃદ્ધિ માટે સીમાચહિ્ન બની રહેશે.
પાંચ વર્ષ સુધી જાળવણીની ઇજારદારની જવાબદારી
મહત્વની વાત એ છે કે, આ કામગીરીને સમયસર પૂર્ણ કરવા માટે એચ.સી.સી., નાગાર્જુન કન્સ્ટ્રકશન, ગેનન ડંકર્લી, આઇવીઆસીએલ, મેઘા-આઇટીટી વગેરે જેવી પ્રતિષ્ઠિત અગ્રણી કન્સ્ટ્રકશન કંપનીઓ આ કામોના અમલીકરણમાં જોડાઇ છે. આ કામો પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના સાત તાલુકાના ૧૮૨ ગામોની ૨,૭૮,૫૬૧ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે. આ કામો દ્વારા કચ્છની જનતાને, ખેડૂતોને પાણીનો સુનિશ્વિત પુરવઠો કોઇ પણ પ્રકારના અવરોધ વિના મળતો રહે તે માટે નિગમ દ્વારા એક વિશિષ્ટ શરત આ કામના ઇજારદારો માટે નક્કી કરી છે કે કામગીરી પૂર્ણ થયા બાદ તેની જાળવણીની સંપૂર્ણ જવાબદારી પાંચ વર્ષ માટે આ કંપનીઓની જ રહેશે.
ઝડપી અમલીકરણ માટેના પગલાં
હાલમાં જિલ્લાના ૭૯૨ ગામ અને ૭ નગરોને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે. નર્મદા યોજના થકી કુલ ૮૮૬ ગામ અને ૮ નગરોને આ લાભ આપવાનું આયોજન છે. સરદાર સરોવર નિગમ દ્વારા કામોના ઝડપી અમલીકરણ માટે તાજેતરના પગલાં. . .
૧ ગુજરાત સરકાર દ્વારા જંત્રી ભાવથી અને ખેડૂતોની સંપત્તિથી જમીન સંપાદન કરવા મે-૨૦૧૦માં નિર્ણય લેવામાં આવ્યો જેનાથી ખેડૂતોને વ્યાજબી ભાવો મળશે અને અદાલતમાં જવાની જરૂર રહેશે નહીં.
૨. દરેક ખેડૂતને સરખી રીતે પાણીની વહેંચણી થાય તે માટે કમાન્ડ વિસ્તારમાં કુલ ૪૭૮૦ પિયત સહકારી મંડળી બનાવવાની થાય છે. જે પૈકી ૧૬૦૦ પિયત સહકારી મંડળી રજિસ્ટ્રાર થઇ છે.
૩. કામોમાં ઝડપ લાવવા માટે ઇ.પી.સી. (એન્જિનિયરિંગ, પ્રોકયોરમેન્ટ અને કન્સ્ટ્રકશન) કોન્ટ્રાકટ પદ્ધતિ અપનાવવામાં આવી છે. જેમાં ઇજારદારે જ સર્વેક્ષણ, ડિઝાઈન અને બાંધકામ કરવાનું થાય છે. આ ફિકસ પ્રાઇઝ કોન્ટ્રાકટ છે. આ કોન્ટ્રાકટ પદ્ધતિના લાભથી પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮થી ૨૪ માસમાં કામો પૂર્ણ કરવાનું આયોજન છે
.
૪. કામોની ગુણવત્તા અને કામની પ્રગતિ સમીક્ષા કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને થર્ડપાર્ટી સમીક્ષા કરવા માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને થર્ડપાર્ટી કવોલિટી કન્સલ્ટન્ટની સેવાઓ લેવામાં આવશે.
૫. કમાન્ડના વિસ્તારના છેવાડાના વિસ્તાર સુધી ઝડપથી પાણી પહોંચાડવા અને બાકી કામો જલદી પૂરા કરવા પ્રોજેક્ટ ઓથોરિટી દ્વારા વ્યૂહાત્મક અને નીતિ વિષયક નિર્ણયો છેલ્લા દોઢ વર્ષમાં લેવામાં આવ્યા છે.
હાલના કચ્છ શાખા નહેરના કુલ R ૧૦૬ કરોડના કામો પૂર્ણ થયાં છે. હાલમાં આરંભ થઇ રહેલા પાંચ કામો સહિત કુલ R ૧૮૦૬ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જ્યારે બાકીના R ૨૦૯૦ કરોડના કામો માટે આગામી મે મહિનામાં ટેન્ડર મંગાવી ચાલુ વર્ષે કામો શરૂ કરવામાં આવશે. આ તમામ કામો આગામી બેથી ત્રણ વર્ષમાં પૂરા કરી કચ્છને નર્મદાના પાણીના લાભો મળતાં થાય તે માટે સરકાર કૃતનિશ્વયી છે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.