લાકડિયા અને આધોઇને જોડતો સીધો સંપર્ક માર્ગ વરસાદ અને વાવાઝોડામાં સંપૂર્ણ ધોવાઇ ગયો હતો. લાકડિયા-આધોઇને જોડતા માર્ગે પાંચ જેટલા ઘરનાળા સંપૂર્ણ વોકળા બની ગયા હતા. ઊંડા ઊંડા ખાડા પડવાથી સાઇકલ તો શું માણસ પણ ચાલીને ન જઇ શકે તેવો રસ્તો બન્યો છે ખેડૂતોએ પોતાના ગાડા રસ્તા વચ્ચે જ છોડી મૂકી ખેતરે જવું પડÛંુ હતું, તો વળી વાડી વિસ્તારની એક માત્ર શાળા પાસે જ રસ્તામાં વિશાળ ભરોણ પડતાં બાળકો શાળાએ જઇ શકે તેમ નથી.
ગ્રામ પંચાયતના સદસ્ય લાભશંકર ગામોટે જણાવ્યું હતું કે, પહેલા વરસાદે તંત્રે ધ્યાન આપ્યું હોત તો આ ખુંવારી નિવારી શકાઇ હોત. રસ્તામાં ધરાશાયી થયેલા વૃક્ષો પણ બચાવી શકાયા હોત, ગામના જાગૃત નાગરિક અનવર હુસેન રાઉમાના જણાવ્યા પ્રમાણે લાકડિયાને જોડતા અન્ય માર્ગોમાં ધોવાણ થયું છે, પરંતુ તે વરસાદના પ્રવાહ સામે ટકી શકયા છે, જ્યારે આ રસ્તો નવો હોવા છતાં પણ તૂટી જતાં શંકાની સોય જવાબદારો તરફ તકાઇ રહી છે. ગ્રામ પંચાયતે સંબંધિત ખાતાને લેખિતમાં જણાવ્યું પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં ખેડૂતો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને મજૂરવર્ગને હાલાકી થઇ રહી છે.