લખપતના વમૉનગરમાં આવેલી જીએમડીસી કોલોનીનું ગટરનું પાણી નવાનગરના તળાવમાં છોડવા મુદ્દે રોષે ભરાયેલા લોકોએ રસ્તો બંધ કરીને ચક્કાજામ કરી દીધો હતો. જોકે, બાદમાં મામલો થાળે પડ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વમૉનગર જીએમડીસી કોલોની દ્વારા લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે જે નવાનગર ગામના તળાવમાં જાય છે. આ અંગે લોકોએ મામલતદાર અને જીએમડીસીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી, ત્યાબાદ ગુરુવારે ત્યાંની મુલાકાતે આવેલા જી.એમ.ઠાકોર પાસે કોંગ્રેસ અગ્રણી સાવજસિંહ રાઠોડની આગેવાની હેઠળ ૫૦ જેટલા લોકો રજુઆત માટે દોડી ગયા હતા, ત્યારે છેર પ્રોજેકટર મેનેજર સેંઘાણી દ્વારા તેઓને અટકાવાતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. અંતે બે પ્રતિનિધિને મળવાની છુટ અપાઇ હતી.
રજુઆત બાદ શુક્રવારે સ્થળ નિરીક્ષણ કરવાની ખાતરી અપાઇ હતી, પણ કોઇએ મુલાકાત ન લેતાં ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને અધિકારઓની ગાડી નવાનગર પાસે પસાર થતી હતી, ત્યારે, ચક્કાજામ કરીને રસ્તો બંધ કરી દીધો હતો.
પોલીસની ટુકડી પણ ઘટનાસ્થળે આવી ગઇ હતી. લગભગ અડધા કલાક સુધી રસ્તો બંધ રહ્યો હતો. બાદમાં પોલીસે કરેલી સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. લોકોએ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીને મળીને પણ રજુઆત કરી હતી.
આ આંદોલનમાં પ્રવીણભાઇ રાજગોર, ગણપતભાઇ મહારાજ, ભરતભાઇ જોષી, શ્રવણ મહારાજ, ભુરાજી દવે, રામદયા ઓમપ્રકાશ, મહેશદાન ગઢવી, દિતેશ રાજગોર વગેરે જોડાયા હોવાનું લોકોએ કહ્યું હતું.
છેર પ્રોજેકટના મેનેજર સેંઘાણીનો સંપર્ક કરતાં તેમણે
કહ્યું કે, અંદર બેઠક ચાલુ હતી એટલે લોકોને મોડેથી મુલાકાત કરાવાઇ હતી.