બેંકિંગ ક્ષેત્રે ખાનગી બેંકોના પ્રેવશ બાદ વર્તમાન સમયે સર્જાયેલી ગળાકાપ હરીફાઇ વચ્ચે હજુ પણ રાષ્ટ્રીયકૃત બેંકો પોતાનો ઇજારો હોય તેવું વર્તન કરે છે તે પ્રકારની ફરિયાદ જિલ્લા કલેકટર સમક્ષ કરાઇ છે, જેમાં ભુજની બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોને જાણ કર્યા વિના ખાતા બંધ કરી દેવાતાં હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સમાહર્તા સમક્ષ કરાયેલી રજુઆત પ્રમાણે હોસ્પિટલ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા ગ્રાહકોને આગોતરી સૂચના આપ્યા વિના ખોટું અર્થઘટન કરી એકાઉન્ટ બંધ કરી ગ્રાહક વિરોધી નીતિ અપનાવાઇ રહી છે. ખરેખર તો ગ્રાહકને જાણ કર્યા વિના આ કાર્ય કરી શકાય નહીં તેવું જણાવતાં કચ્છ જિલ્લા ક્રાંતિ અભિયાનના પ્રમુખ મનસુર અલી બલોચે એવી પણ રજુઆત કરી છે કે, બેંક દ્વારા લેવાતા આવા મનસ્વી નિર્ણયને કારણે ગ્રાહકોને નુકસાન વેઠવું પડે છે.
બોકસ : હે : એ.જી.એમ.ની ચેમ્બરમાં ફોન નથી !
એકતરફ વધુને વધુ ખાતા ખોલવા બેંકો દ્વારા ઝુંબેશ ચલાવાય છે, ત્યારે આ કિસ્સામાં બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દુબેનો સંપર્ક સાધવા ત્રણ-ત્રણ લેન્ડલાઇન નંબર પર પ્રયત્નો કરવા છતાં બેંકમાં રિનોવેશન કાર્ય ચાલતું હોવાથી લાઇન એકસટેન્શનના અભાવે આ જવાબદાર અધિકારી સાથે વાતચીત થઇ શકી ન હતી !