વિથોણમાં વિદ્યાર્થીઓ માટે ચાલતી એસ.ટી.બસની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.
આ અંગે છાત્રોના જણાવ્યા મુજબ વિથોણ હાઇસ્કૂલમાં હાલ ગ્રામ્ય વિસ્તારમાંથી લગભગ ૧૫૦-૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થી ટ્રીપની બસ બપોરે છાશવારે મોડી આવે છે. એકદમ ખખડધજ બસ આ રૂટમાં મૂકાય છે. બપોરે ૧૨ : ૪૫ વાગ્યે શાળા છુટયા બાદ ઘણીવાર દોઢ વાગ્યે કે છેક અઢી વાગ્યે આવે છે. વિદ્યાર્થીઓને ત્યાં સુધી ભૂખ્યા શેકાવું પડે છે. તેથી ઘણી વખત એસ.ટી.નો પાસ હોવા છતાં પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડે છે. પાસના પૈસા અગાઉથી લઇ લેવાયા હોવાથી વિદ્યાર્થીઓની જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ થાય છે.
વિદ્યાર્થીઓએ એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો કે, વાલીઓ, શાળાના ટ્રસ્ટીઓ અને નેતાઓ પણ આ મુદ્દે ઘોર ઉદાસીનતા સેવી રહ્યા છે. હવે તેમનું કામ વિદ્યાર્થીઓએ કરવું પડે તેવી સ્થિતિ છે. જો બસ નિયમિત નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી.