ગુપ્ત દસ્તાવેજો જાહેર કરનારી વેબસાઈટ વિકિલીક્સે ફરી એક વખત અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીનો(સીઆઈએ) એક ગુપ્ત રિપોર્ટ જાહેર કરી દીધો છે. ત્રણ પેજના આ રિપોર્ટમાં બીજી ફેબ્રુઆરી-2010ની તારીખ નોંધવામાં આવી છે. સમાચાર ચેનલ સીએનએનના જણાવ્યા પ્રમાણે રિપોર્ટનું શીર્ષક ‘શું વિદેશીઓ અમેરિકાને આતંકવાદના નિકાસકાર તરીકે જુએ છે’ એવું રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે વિકિલીક્સે થોડા દિવસો પહેલા જ અફઘાનિસ્તાન યુદ્ધ અંગેના અમેરિકાના 90000 જેટલા ગુપ્ત દસ્તાવેજો જાહેર કરી દીધા હતાં. વિકિલીક્સે એમ પણ જણાવ્યું હતું કે તે થોડા સમય બાદ 15000 જેટલા વધારે દસ્તાવેજ જાહેર કરશે. અમેરિકાના રક્ષા વિભાગે વિકિલીક્સને તમામ જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો વેબસાઈટ પરથી હટાવી લેવાની સુચના આપી છે.
નવા જાહેર થયેલા રિપોર્ટ અંગે સીઆઈએના પ્રવક્તા જ્યોર્જ લિટલએ જણાવ્યું હતું કે આ એક નાનો રિપોર્ટ છે. જેમાં સામાન્ય વિચારો પર અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુપ્ત દસ્તાવેજ જાહેર થવાથી હંમેશા સમસ્યા થાય છે પરંતુ આ કેસમાં કોઈ ચિંતા જેવું નથી. કારણ કે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં વાંધાજનક કોઈ નથી.
નોંધનીય છે કે વિકિલીક્સ દ્વારા અફઘાનિસ્તાન યુદ્ધ અંગે જાહેર કરવામાં આવેલા ગુપ્ત દસ્તાવેજો બાદ અમેરિકામાં વિવાદ ઉભો થયો હતો. આ ઉપરાંત ગયા અઠવાડિયે વિકિલીક્સના સ્થાપક અસાંજે સામે સ્વિડનમાં બળાત્કારના આરોપસર ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. અસાંજે એવો આરોપ લગાવ્યો હતો કે તેની સાથે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવા પાછળ પેન્ટાગોનના અધિકારીઓની સંડોવણી છે.