પાકિસ્તાનના બદનામ પરમાણુ વૈજ્ઞાનિક એ ક્યૂ ખાને દેશના નેતાઓનો ઉધડો લીધો છે. ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે, પરંતુ અહીંના કરોડરજ્જુ વગરના નેતાઓએ 17 કરોડની વસ્તી ધરાવતા દેશને ભિખારી બનાવી દીધો છે.
ન્યૂઝ વીક પત્રિકાએ તાજેતરમાં ખાનનો ઈન્ટરવ્યૂ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં ખાને જણાવ્યું હતું કે આઠમા દસકામાં જ્યારે પાકિસ્તાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું હતું ત્યારે પશ્ચિમના દેશોએ તેનો ક્યારેય વિરોધ કર્યો ન હતો. કારણ કે તેઓ ખૂબ ડરી ગયા હતાં, તેમજ સોવિયેત-અફઘાનિસ્તાન સંઘર્ષના પરિણામની રાહ જોઈ રહ્યા હતાં.
પરમાણુ ચોરીના આરોપથી ઘેરાયેલા ખાને દાવો કર્યો હતો કે અમેરિકા સહિત પશ્ચિમના દેશો એટલા માટે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ અંગે આંખ આડા કાન કરી રહ્યું હતું કારણ કે સોવિયેત સંઘને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે તેમને પાકિસ્તાનની મદદની જરૂર હતી. ખાને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન યુદ્ધ પાકિસ્તાન માટે આશિર્વાદ સમાન સાબિત થયું હતું.
ખાને જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં અમેરિકા અને બ્રિટનને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની વાસ્તવિક સ્થિતિનું ભાન થયું ન હતું. પરંતુ અફઘાનિસ્તાન યુદ્ધ બાદ અમેરિકાએ ભુટ્ટો સરકાર પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતાં. પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગુલામ ઈસ્ફાક ખાન અને પૂર્વ સૈન્ય પ્રમુખ જનરલ અસલમ વેગે તેના બધા જ નાપાક ઈરાદાઓ પાર પડવા દીધા ન હતાં.
ખાનને જ્યારે અમેરિકાની જાસૂસી એજન્સી સીઆઈએના પ્રમુખ લિઓન પેનેટાના નિવેદન અંગે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન અલ કાયદાનું હેડ ક્વાર્ટર બની ગયું છે ત્યારે તેણે આવું કંઈ ન હોવાનું જણાવ્યું હતું. ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ભારત પર અંકુશ લગાવવા માટે છે. જેના કારણે તે પાકિસ્તાનને નબળું સમજીને તેની ઉપર હુમલો ન કરે.