અમેરિકામાં આજકાલ એક વીડિયો ગેમ ચર્ચાનો વિષય બની છે. જેમાં તાલીબાની સૈનિકોએ અમેરિકી સૈનિકો પર ગોળી ચલાવવાની હોય છે. સંરક્ષણ વિભાગને અત્યારે એવો ડર લાગી રહ્યો છે કે ક્યાંક આ વીડિયો અમેરિકન સૈનિકોનું મનોબળ ના તોડી નાખે. જો કે આ વીડિયો ગેમનો આખા દેશના લશ્કરી વિસ્તારોમાં વેચાણ પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.
કેલિફોર્નિયા સ્થિત ગેમ બનાવતી કંપની ઈલેક્ટ્રોનિક આર્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ ગેમ ‘મેડલ ઓફ ઓનર’ 12મી ઓક્ટોબરથી બજારમાં ઉપલબ્ધ થશે. બ્રિટિક્ષ સંરક્ષણ મંત્રી લિયામ ફોક્સ સહિત કેટલાંય લોકોના વિરોધ બાદ આશરે 300 જેટલી આર્મી કેન્ટીનમાં આ વીડિયો ગેમનો સ્ટોક ન રાખવાનો નિર્ણય લેવાયો છે.
જોકે અમેરિકી સૈનિકોએ આ ગેમ ખરીદવા પર પ્રતિબંધ નથી. તેઓ લશ્કરી ક્ષેત્રની બહારના વિસ્તારોમાંથી આ ગેમ ખરીદી શકાશે. આ વીડિયો ગેમ મૂળ બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત છે, જેનું નવું સ્વરૂપ આધુનિક અફઘાનિસ્તાન પર ફિલ્માવવામાં આવ્યું છે, જ્યાં અમેરિકા અને નાટોના આશરે 1,40,000 સૈનિકો તાલીબાન સૈનિકો સાથે યુદ્ધ કરે છે.
*