- તેલ વેપાર રોકાતાં નૌકાદળ દ્વારા કોઇપણ કાર્યવાહી કરવાની ચેતવણી
ઇરાનની ધમકી અંગે અમેરિકાએ ચેતવણીના સુરમાં કહ્યું છે કે તેનું નૌકાદળ તેલ પૂરવઠો અવરોધાતા જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તેણે કહ્યું કે ઇરાનની આવી ધમકીઓમાં કોઇ વજન નથી. હરમુજ સાથેનો તેલ વેપાર રોકવાની વાત માત્ર ડીંગ મારવા જેવી છે. અમેરિકાએ ભારપૂર્વક એ જણાવ્યું કે તે તેલના અબાધિત વેપારનું સમર્થન કરે છે.
બહેરીન સ્થિત અમેરિકન નૌકાદળના પાંચમા બેડાના પ્રવક્તા લેફ્ટેનન્ટ રેબેકા રેબારિકે કહ્યું કે અમેરિકન નૌકાદળ તેલની અવરોધમુક્ત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કોઇપણ કાર્યવાહી માટે હંમેશા તૈયાર રહે છે. તેણે ચેતવણી આપી કે તેલ સપ્લાયમાં કોઇપણ પ્રકારનો અવરોધ સહન નહીં કરી લેવાય.
ઇરાને ધમકી આપી છે કે જો તેના પરમાણુ કાર્યક્રમ માટે તેલની નિકાસ પર પ્રતિબંધ લગાવાય તો તે તેલનો આંતરરાષ્ટ્રીય વેપાર સંપૂર્ણ રોકી દેશે. ઇરાનના પહેલા ઉપ રાષ્ટ્રપતિ મહમ્મદ રેજા રહીમીએ મંગળવારે કહ્યું કે જો અમારી તેલ નિકાસ પર પ્રતિબંધ લગાવાયો તો અમે હરમુજ જળ સમજૂતિ દ્વારા એક પણ ટીપાનો વેપાર નહીં થવા દઇએ. ઇરાનની અધિકૃત સમાચાર એજન્સીએ રહીમીના નિવેદનની પુષ્ટિ કરી છે.
ઇરાનના નૌકાદળ દ્વારા હરમુજ જળ સમજૂતિમાં શનિવારથી શરૂ થયેલા એક મોટા યુદ્ધાભ્યાસ વચ્ચે ઉપ રાષ્ટ્રપતિની આ ધમકી આવી છે. આ યુદ્ધાભ્યાસ 10 દિવસ ચાલશે.
ઉલ્લેખનીય છે કે ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના અહેવાલ બાદ યુરોપીય સંઘના મંત્રીઓએ ઇરાન વિરૂદ્ધના પ્રતિબંધો વધુ કડક કરવાનો નિર્ણય કર્યો હતો. પરમાણુ એજન્સીના અહેવાલ પ્રમાણે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ઇરાને કહ્યું હતું કે તે દેશની ઉર્જા જરૂરિયાતને પૂરી કરવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમ પર કામ કરી રહ્યું છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.