અમેરિકાએ નવી દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભારતનો પ્રવાસ ખેડી રહેલા દેશના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. અમેરિકાનું કહેવું છે કે દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ દરમિયાન આતંકી હુમલો અને હિંસાનો ખતરો રહેલો છે. અમેરિકાના વિદેશ વિભાગે બુધવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં અમેરિકન દૂતાવાસ તરફથી કોમનવેલ્થ ગેમ દરમિયાન ભારતની મુલાકાત લેનારા નાગરિકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવી છે.
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ત્રીજીથી 14મી ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. અમેરિકાએ ફક્ત પોતાના દેશના નાગરિકોને જ નહીં પરંતુ ભારતની મુલાકાત લેનાર તમામ લોકોને સતર્ક રહેવાનું જણાવ્યું છે. જો કે અમેરિકાએ આતંકવાદી હુમલા અંગે કોઈ વિવરણ કર્યું નથી. ક્યાં આતંકવાદી જૂથો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે તે અંગે અમેરિકાએ કંઈ પણ જણાવ્યું ન હતું.
અમેરિકાના લોકોને એવી સુચના આપવામાં આવી છે કે તે જાહેર સ્થળો પર જતાં પહેલા અથવા હોટલની મુલાકાત લેતા પહેલા ભારતના મીડિયા દ્વારા આપવામાં આવતી સુચના પર ધ્યાન આપે. અમેરિકન સરકારે કહ્યું છે કે નાગરિકો નવી દિલ્હીની મુલાકાત લેતી વખતે ખાસ કાળજી રાખે. વિદેશ વિભાગે અમેરિકાના પ્રવાસીઓને જણાવ્યું છે કે તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને પર્યટન સ્થળ પર સતર્ક રહે. આ ઉપરાંત જાહેર વાહનોનો ઉપયોગ તેમજ રાતના સમયે ડ્રાઈવિંગ કરતી વખતે ખાસ કાળજી રાખવામાં આવે. આ ઉપારાંત કોઈ પણ ઈમરજન્સીમાં નવી દિલ્હી સ્થિત દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.