ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા ભારતનો મોહરુ બનાવીને ચીન અને તેના દોસ્ત પાકિસ્તાન વચ્ચે કડવાશ વધારવાની કોશિશ કરી રહ્યું છે. ચીનમાં સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઈલીમાં બુધવારે પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતને મહોરું બનાવીને અમેરિકા ગુલામ કાશ્મીરમાં ચીનના સૈનિકોની હાજરીના સમાચારને વધારીને રજૂ કરીને પાકિસ્તાન અને ચીનની મૈત્રી વચ્ચે ટાંગ અડાવી રહ્યું છે.
ન્યૂયોર્ક ટાઈમ્સમાં હાલમાં જ પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીને ગુલામ કાશ્મીરમાં 11 હજાર જેટલા સૈનિકો તૈનાત કરી દીધા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના આ રિપોર્ટ અને ભારતીય સૈન્યના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ વી એસ જસવાલને ચીન દ્વારા વિઝા ન આપવાના મુદ્દા પર પ્રથમ વખત ટિપ્પણી કરતા પીપલ્સ ડેઈલીએ લખ્યું છે કે, એવું લાગી રહ્યું છે કે ચીન-પાકના સંબંધોને લઈને અમેરિકાનું અવળચંડુ વલણ હજી કાયમ છે.
સરકાર પણ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટનું ખંડન કરી ચુકી છે. સરકારે જણાવ્યું હતું કે આ ચીન-પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ પેદા કરવા તેમજ ભારત સાથે ચીનના સંબંધોમાં વિઘ્નો નાખવાના પ્રયાસો કરે છે. ભારત સાથે ચીનના સંબંધો પહેલેથી જ નાજુક છે. આ ઉપરાંત ગુલામ કાશ્મીરમાં ચીનના સૈનિકોની હાજરીના સમાચારો ભારતીય મીડિયામાં પણ ખૂબ ચમક્યા હતાં.
મુખપત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે સૈન્ય પરત ખેંચવાની વચ્ચે અમેરિકાનો ડોળો હવે પુરા એશિયા પર છે. તે ચીન સામે પગલા લેવાની તૈયારીમાં છે. આ માટે તે ભારતને વચ્ચે રાખીને ધાલમેલ કરવાની કોશિશ કરી રહ્યું છે.