વિશ્વના વોન્ટેડ ત્રાસવાદી ઓસામા બિન લાદેનને સીધું નિશાન બનાવતાં અમેરિકાએ આજે તેના જમાઇ મહમદ અબ્દલ્લાહ હસન અબુ અલ- ખૈબર પર પ્રતિબંધ લાદી દીધા છે. ઓસામાનો જમાઇ વર્તમાનમાં અલ કાયદાના નાણાકીય નેટવર્કનું સૂત્રસંચાલન કરતો હોવાનું મનાય છે.
સંખ્યાબંધ વર્ષ સુધી ઓસામાના અંગરક્ષક તરીકે સેવા આપ્યા બાદ તેની પુત્રીને પરણેલો અલ-ખૈબર અલ કાયદાનો મુખ્ય નાણાકીય અધિકારી માનવામાં આવે છે. અમેરિકી ડ્રોન હુમલામાં અબુ-અલ-યઝદીનું મોત નીપજતાં તેને આ જવાબદારી આપવામાં આવી છે. અમેરિકી ત્રાસવાદ અને નાણાકીય ગુપ્તચર ખાતાનો હવાલો સંભાળી રહેલા સ્ટુઅર્ટ લેવીએ પ્રતિબંધ લાદતાં જણાવ્યું હતું કે અમેરિકા અને રાષ્ટ્રસંઘ દ્વારા લેવાયેલાં આ પગલાંને કારણે અલ-કાયદાનું નાણાકીય નેટવર્ક નબળું પડશે.
અલ-કાયદા માટે નાણાકીય જોગવાઇ ઊભી કરવામાં ભૂમિકા દેખાતાં જ સાઉદી અરેબિયાએ વર્ષ ૨૦૦૯માં જાહેર કરેલી વોન્ટેડની યાદીમાં પણ અલ-ખૈબરનો સમાવેશ કર્યો હતો. અમેરિકી હિતો વિરુદ્ધના અનેક ત્રાસવાદી હુમલા કરાવવા તેણે હજારો ડોલરનીનાણાકીય હેરફેર કરી હતી. ૧૯૯૦માં અલ-કાયદામાં તાલીમ માટે જોડાવા સાથે તેની ત્રાસવાદી કારકિર્દીનો આરંભ થયો હતો. તેણે ત્યારબાદ ઓસામાના અંગરક્ષક તરીકે કામ કર્યું હતું. લેવીએ જણાવ્યું હતું કે અલ-યઝદીનું ડ્રોન હુમલામાં મોત થયા બાદ તેની અવેજીમાં કામ કરવા મેદાનમાં ઉતરનાર તમામ સામે પગલાં લેવાશે.