અમેરિકાએ વિવિધ કામો માટે અનામત રાખવામાં આવેલા ભંડોળમાં કાપ મૂકીને પાક.ને વધારાની મદદ કરી
પૂરના સંકટનો સામાનો કરી રહેલા પાકિસ્તાનની મદદ કરવા માટે અમેરિકા કોઈ કસર છોડવા માગતું નથી એવું લાગી રહ્યું છે. આ માટે જ તેણે પોતાની પ્રાથમિકતાઓ માટે અનામત રાખવામાં આવેલા ભંડોળમાં કપાત કરીને પાકિસ્તાનને વધારાની પાંચ કરોડ ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે.
પાંચ કરોડ ડોલર આપવાની જાહેરાતની સાથે જ અમેરિકા દ્વારા આપવામાં આવેલી રાશિ 20 કરોડ ડોલર થઈ ગઈ છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા પી જે ક્રાઉલે પત્રકારોને જણાવ્યું હતું કે પાંચ કરોડ ડોલરની આ રકમ કેરી લુકાર બર્મન બિલની પ્રાથમિકતાવાળા અન્ય કાર્યો માટે અનામત રાખવામાં આવેલી રકમમાંથી કાપીને આપવામાં આવશે. તેની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા તેની યોજનાઓનું ફરીથી મુલ્યાંકન પણ કરશે.
તેની સાથે સાથે અમેરિકા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાના સહાય કેન્દ્રોને શરૂ રાખશે. જે અંતર્ગત હંગામી ધોરણે પુલો પણ બનાવવામાં આવશે. અમેરિકન સૈન્ય તેમજ સૈન્યના વિમાનો પૂરગ્રસ્તોની મદદ કરવાનું ચાલું જ રાખશે.
વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે 25 ઓગસ્ટ સુધી વિમાન દ્વારા 8010 લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતાં. તેમજ 180,000 કરોડ પાઉન્ડની રાહત સામગ્રી લોકો સુધી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં રાહત શિબિરો બનાવવા માટે પ્લાસ્ટિકના 1000 રોલ મોકલવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી પ્લાસ્ટિકના 5063 રોલ આપવામાં આવ્યા છે. આ દ્રારા બનનારી રાહત છાવણીમાં આશરે 52 હજાર લોકોને આશરો આપી શકાશે.