આ ગ્લેડિયેટરો ૨૦૦૦ વર્ષ પૂર્વે હિંસક પ્રાણીઓ સાથેના ક્રૂરતાપૂર્ણ દ્વંદ્વમાં રિબાઈને મર્યા હતા
બ્રિટનમાં રોમનકાળના ૮૦ ગ્લેડિયેટરની કબરો મળી આવી હતી. આ ગ્લેડિયેટરો ૨૦૦૦ વર્ષ પૂર્વે લોહીની પ્યાસી ભીડને ખુશ કરવા હિંસક પ્રાણીઓ સાથેના ક્રૂરતાપૂર્વ દ્વંદ્વમાં રીબાઈને મર્યા હતા. તેવું તેના હાડપિંજરોના અભ્યાસમાં ખૂલ્યું છે.
પુરાતત્વવિદોને ઉત્તરી ઈંગ્લેન્ડના માનવવસ્તીથી ગીચ એવા યોર્ક વિસ્તારમાં ખોદકામ દરમિયાન આવા યુવાન ગ્લેડિયેટરોની ૮૦ કબરો મળી આવી હતી. જે હાડપિંજરોના અભ્યાસ-વિશ્લેષણ બાદ ૨ હજાર વર્ષ જૂની હોવાનું માલૂમ પડ્યું હતું.
ફોરેન્સિક નિષ્ણાતોએ તેમની લેબોરેટરીમાં આ હાડપિંજરોના અભ્યાસ પરથી વિશ્લેષણ તૈયાર કર્યું હતું. જે મુજબ આ હાડપિંજરો બે હજાર વર્ષ પહેલાં રોમન શાસન વખતના યોધ્ધાઓના છે. જેઓ પોતાના રાજા અને પ્રજાના મનોરંજનને ખાતર હિંસક પ્રાણીઓ સાથે ક્રૂરતાપૂર્વક લડતા અને પછી રિબાઈ-રિબાઈને મૃત્યુ પામતા હતા. આવી ક્રૂર રમતો માટે રોમનોએ કોલોજિયમ બનાવ્યા હતા. જ્યાં હજારો દર્શકો દ્વંદ્વની મજા લઈ શકે.
યોર્ક આર્કિયોલોજિકલ ટ્રસ્ટના અધિકારી કર્ટ હન્ટર મેને જણાવ્યું હતું કે, મોટાભાગના હાડપિંજરો પર સિંહ કે વાઘ જેવા હિંસક પ્રાણીના દાંતના નિશાન દેખાય છે. જેથી આ યોધ્ધાઓને રોમન શાસકો પોતાના મનોરંજનને ખાતર પ્રાણીઓ સાથે લડાવતા હતા તેવું પુરવાર થાય છે. ઉપરાંત, તેમના એક બાજુના ખભાઓ તૂટેલા છે. તત્કાલીન સમયે તેઓને ભારેખમ હથિયાર ઊંચકવાની તાલિમ અપાતી હતી.
લંકેસાયર યુનિવર્સિટીના ડો. માઈલક વાયસોકિએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીયસ્તરે આ શોધખોળ મહત્વની છે. આ રીતે યોધ્ધાઓના પાળિયાઓ સાચવવાની પધ્ધતિ બ્રિટન સિવાય વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળી નથી.
ગુલામ તરીકે જ લવાયા હતા
યોર્ક આર્કિયોલોજિકલ ટ્રસ્ટે ધી ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, પુરાતત્વવિદોને છાનબિન બાદ એવા પુરાવા મળ્યા છે કે, આ તમામ હાડપિંજરો યુવાન યોધ્ધાઓના છે જેઓ ૨૧૧(એડી)માં યુધ્ધમાં ખપી ગયા હતા. આ યોધ્ધાઓ ભૂમધ્ય સાગર પારથી લવાયેલા ગુલામો હતા. જેઓને ખાસ યુધ્ધમાં લડાવવાના હેતુથી ખરીદીને લાવવામાં આવતા હતા.
વધુ સંશોધન થવું જરૂરી : પ્રો. એન્ડ´ વોલેસ
સિડની સસ્સેક્સ કોલેજના ઐતિહાસિક બાબતોના તજજ્ઞ પ્રો. એન્ડ´ વોલેસ-હેડ્રિલે જણાવ્યું હતું કે, યોર્કમાંથી મળેલા માનવઅસ્થિઓ વિશે વધુ સંશોધન થવું જરૂરી છે. આ અસ્થિઓ બે હજાર વર્ષ પ્રાચીન છે તે તો એક ખુલાસો કરવા જેવું લાગે છે. જોકે, ઐતિહાસિક બાબતોમાં રસ ધરાવતા લોકો અને પુરાતનવાદીઓ માટે આ માવન અસ્થિઓનું મળવું ઉત્સાહપ્રેરક બાબત છે.