ધનવાન ભારતીય પર્યટકોને આકર્ષવા વિઝા નિયંત્રણોમાં છૂટછાટ અપાશે : કેમરોન
બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોને ગુરુવારે જણાવ્યું હતું કે બ્રિટનના પ્રવાસ ઉદ્યોગને વેગ આપવા ભારતીયો માટે વિઝા નિયંત્રણોમાં ખાસ છૂટછાટ આપવામાં આવશે. ધનવાન ભારતીય મુલાકાતીઓ વેસ્ટ એન્ડમાં પહોંચીને મબલક ખરીદી કરતાં જોવા મળતાં સરકારે આ નિર્ણય લીધો છે.
બ્રિટનનો પ્રવાસન ઉદ્યોગ રોજગારી અને આવક ઊભી કરીને અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન કરી રહ્યો છે. વાર્ષિક અર્થતંત્રમાં આ ક્ષેત્રનું વાર્ષિક પ્રદાન ૧૧૫ અબજ પાઉન્ડનું પ્રદાન રહે છે. ભારત અને ચીનના મુલાકાતીઓને વિઝિટર્સ વિઝા આપવાની પ્રક્રિયાને સરળ બનાવીને આ વર્ષે બ્રિટિશ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા પગલાં લેવાશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રવાસીઓને બ્રિટન આવતાં અવરોધોને દૂર કરવા સરકાર પગલાં લેશે. આ હેતુસર ભારત અને ચીન જેવા દેશમાં વિઝા ડિલિવરી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઓનલાઇન વિઝા અરજીની સંખ્યા વધારવા પગલાં લેવામાં આવશે.
વર્ષ ૨૦૧૧ સુધીમાં કુલ પૈકી ૭૫ ટકા વિઝા અરજીઓ ઓનલાઇન મળી શકે અને વર્ષ ૨૦૧૪ સુધીમાં તો ૧૦૦ ટકા અરજી ઓનલાઇન મળી શકે તેવી માળખાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સ્થાનિક સત્તાવાળાને વધુ સત્તા આપવા અને નાના ધંધારોજગારને નિરુત્સાહ કરતા અધિકારીઓને પદ પરથી દૂર કરવા વિચારણા થઇ રહી છે.