ચાઇનીઝ વેપારીઓએ બન્ને ભારતીય વેપારીને ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યા હતા
ચીનના વેપારી મથક ગણાતા યીવૂ ખાતે સ્થાનિક વેપારીઓ દ્વારા ગેરકાયદેસર અટકાયત કરાયેલા બે ભારતીય વેપારીઓએ, તેમની ખોટી રીતે અટકાયત બદલ ૧૫ ચાઇનીઝ વેપારીઓ સામે ક્રિમિનલ કેસ(ફોજદારી મુકદમો) કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણા સાથેની મુલાકાતના એક દિવસ બાદ બન્ને ભારતીય વેપારીઓમાંથી દીપક રાહેજા નામના એક વેપારીએ જણાવ્યું હતું કે અમને ખોટી રીતે ગોંધી રાખવા બદલ અને માનસિક ત્રાસ આપવા બદલ સ્થાનિક ૧૫ વેપારીઓ સામે અમે ક્રિમિનલ કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ચીની સરકારે જણાવ્યું હતું કે ભારતીય વેપારીઓ સાથે ગેરવર્તન કરનારા પાંચ સ્થાનિક વેપારીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય વેપારીઓએ, તેમનાં પાસપોર્ટ જપ્ત કરવાની યીવૂ કોર્ટની કાયદેસરતાને પડકારતી એક અરજી જિંહૂઆ કોર્ટમાં દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહેજા અને શ્યામસુંદર અગ્રવાલ નામના ભારતીય વેપારીઓ ગઇકાલે કૃષ્ણાને મળ્યા હતા અને તેમની અવદશાનું વર્ણન કર્યું હતું. રાહેજાએ જણાવ્યું હતું કે તેઓ પોતાની સામેના આરોપમાં નિર્દોષ પુરવાર થવા અને ચીન છોડવા માટે આતુર છે. અત્રે ઉલ્લેખનીય છે કે યીવૂમાં સ્થાનિક વેપારીઓએ ગોંધી રાખેલા બન્ને ભારતીય વેપારી યૂરો ગ્લોબલ ટે^ડિઁગ નામની એક કંપનીના કર્મચારી છે. આ કંપનીએ યીવૂના ચાઇનીઝ વેપારીઓ પાસેથી ૧.૫ મિલિયન ડોલરનો માલ ખરીધ્યો હતો. આ માલ ખરીધ્યા પછી કંપનીનો માલિક મહીસ હુસૈન બઝારા(યેમની નાગરિક) તેના ભારતીય ભાગીદાર ફિરોઝ ખાન સાથે અર્દશ્ય (ક્યાંક ભાગી જવું) થઇ જતાં સ્થાનિક વેપારીઓએ રાહેજા અને શ્યામસુંદરને ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યા હતા.