અમેરિકામાં એક લાઈવ ટીવી શો દરમિયાન શ્વાને તે કાર્યક્રમના હોસ્ટના ચહેરા પર બચકું ભર્યું હોવાની વિચિત્ર ઘટના બની છે. ટીવી હોસ્ટને એટલી હદે ઈજા પહોંચી હતી કે તેણે નાની સર્જરી પણ કરાવવી પડી છે. ‘૯ ન્યૂઝ’ નામની ચેનલ પર ખ્યાતનામ ટીવી એન્કર કાયલી ડાયર એક ફાયરફાઈટરનું ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે આવેલા મૂળ આજેઁન્ટીનાની ઉચ્ચ પ્રજાતીના ૩૯ કિલો વજન ધરાવતા કદાવર શ્વાને આ હુમલો કર્યો હતો. ‘મેકસ’ નામના આ શ્વાનને તાજેતરમાં થીજી ગયેલા તળાવમાંથી રેસ્કયૂ ઓપરેશનમાં બચાવી લેવાયો હોવાથી તેને બચાવનાર ફાયરફાઈટરનો ઈન્ટરવ્યૂ યોજવામાં આવ્યો હતો. આ ટીવી શોનું પ્રસારણ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ શ્વાને છલાંગ લગાવીને કાયલીના ચહેરા પર બચકું ભરી લીધું હતું.
આ ઘટના બાદ કાયલીને તાત્કાલિક ડેનવેર હેલ્થ મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેણે નાની સર્જરી કરાવી હતી. ચેનલના પ્રવકતાએ જણાવ્યું હતું કે કાયલીની સ્થિતિ હાલમાં ઘણી સારી છે, પરંતુ ઈજાના કારણે હાલમાં બોલી શકતી નથી.