નવા નિયમ મુજબ લેંગ્વેજ કોર્સ માટે ઈન્ટરમીડિયેટ ઈંગ્લિશ ફરજિયાત છે
બ્રિટિશ સાંસદોએ સરકારને નવા ઈમિગ્રેશન નિયમો નાબૂદ કરી દેવાની અપીલ કરી છે. આ નવા નિયમ મુજબ ભારત અને અન્ય બિનયુરોપીય દેશોમાંથી બ્રિટનમાં ભાષા અંગેનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું ઈન્ટરમીડિયેટ લેવલનું ઈંગ્લિશ આવડતું હોવું જરૂરી છે.
લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ સ્ટીફન લોઈડની આગેવાની હેઠળ સાંસદોએ સંસદમાં આ નિયમ રદ કરવાની માગણી સાથે દરખાસ્ત રજુ કરી હતી. જેમાં તેમણે કહ્યું છે કે આ નિયમ ઉતાવળે લેવાયેલા અને અધૂરા છે. તેનાથી બ્રિટનમાં દર વર્ષે ઊંચી ફી ચૂકવીને પ્રવેશ મેળવતા ૧ લાખ વિદ્યાર્થીઓ નિરાશ થઈ જશે.
આ નિયમથી બ્રિટનના અર્થતંત્ર માટે મહત્વના આ શિક્ષણ ક્ષેત્રને તેનાથી ફટકો પડશે અને વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે બ્રિટનનું સ્થાન પણ જોખમાશે તેમ તેમણે કહ્યું હતું. બ્રિટનમાં ઈએસઓએલ મારફતે સૌથી વધુ ઈંગ્લિશ લેંગ્વેજ કવોલિફિકેશન પ્રોવાઈડ કરતી કેમ્બ્રીજ યુનિવર્સિટીએ પણ આ દરખાસ્તને આવકારી છે.
અગાઉની લેબર સરકારે આ નિયમ લાગુ કર્યો હતો, જેને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં ઈંગ્લિશ લેંગ્વેજના અભ્યાસમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે તેમ છે. વાસ્તવમાં આ નિયમ બોગસ વિદ્યાર્થીઓને ડામવાના હેતુથી લાગુ કરાયો હતો, જેઓ સ્ટુડન્ટ વિઝા પર બ્રિટનમાં આવી જાય છે અને પછી ત્યાં જ વસી જાય છે.