મલેશિયામાં ગર્ભવતી અથવા લગ્ન વગર માતા બનનારી કિશોરીઓ માટે એક સ્કૂલ ખોલવામાં આવી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માનસિક રીતે ભાંગી પડેલી કિશોરીઓને તેમાંથી બહાર કાઢવા માટે આવું પગલું ભરવામાં આવ્યું છે.
દક્ષિણી રાજ્ય માલક્કામાં બનાવવામાં આવી રહેલી આ સ્કૂલમાં 16 સપ્ટેમ્બર બાદ પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવશે. આ સ્કૂલમાં 30 કિશોરીઓને પ્રવેશ આપવામાં આવશે. ઈસ્લામી દેશ મલેશિયામાં આવી પ્રથમ સ્કૂલ હશે.
સ્કૂલના ચેરમેન અબ્દુલ રહમાન કરીમે જણાવ્યું હતું કે સ્કૂલને ચલાવવાની જવાબદારી રાજ્યના ઈસ્લામી બાબતોના વિભાગની છે. અહીં કિશોરીઓને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સહિત ધાર્મિક શિક્ષા આપવામાં આવશે. સ્કૂલની નજીક એક છાત્રાલય પણ બનાવવામાં આવશે.
રહમાનનું કહેવું છે કે આવા ઉપાયો કિશોરીઓને પોતાનું જીવન ફરીથી શરૂ કરવામાં મદદરૂપ થશે. માલક્કામાં ગયા વર્ષે વગર લગ્ને 170 યુવતીઓ ગર્ભવતી બની હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાંથી 70 બાળકોને કિશોરીઓ દ્વારા જન્મ આપવામાં આવ્યો હતો.