- ભારત 126 રફાએલ યુદ્ધ વિમાનો ફ્રાન્સ પાસેથી ખદીદશે
- આ ડીલને લીધે સરકોઝીને થશે ફાયદો
- રાજકીય ક્ષેત્રે સરકોઝી કપરાકાળમાંથી પસાર થઇ રહ્યા છે
- રફાએલ કંપનીના સીઇઓ-ચેરમેન સરકોઝીના ખાસ ટેકેદાર
ભારતે ફ્રાન્સ પાસેથી 126 રફાએલ યુદ્ધ વિમાનો ખરીદવાનો લીધેલો નિર્ણય ફ્રાન્સમાં સમાચારોમાં હેડલાઇન્સ બનીને ચમકશે. આ સોદો માત્ર વિમાન ઉત્પાદક કંપની ડેસલ્ટ એવિએશન માટે જ નહીં પરંતુ ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી અને તેના પક્ષ યુએમપી માટે પણ મહત્વનો છે.
આ સોદો એવા સમયે થયો છે કે જ્યારે પ્રમુખ સરકોઝી મે, 2012માં યોજાનારી ચૂંટણી માટે કપરાકાળનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી ઝુંબેશ શરૂ થવાને 15 અઠવાડિયા બાકી છે ત્યારે ભૂતકાળમાં પોતાને દેશના ટોપ સેલ્સમેન ગણાવતા સરકોઝીને તેનો લાભ થશે.
ડેસલ્ટ એવિએશનના સીઇઓ અને ચેરમેન સર્જ ડેસલ્ટ રાઇટ વિંગના સેનેટર છે અને સરકોઝીની યુએમપી પાર્ટીના સભ્ય પણ છે. તે સરકોઝીના મજબૂત ટેકેદાર પણ છે. આ બન્ને હવે સૌથી મોટા સોદાની દુર્લભ ક્ષણો માણશે. ફ્રાન્સને પોતાના યુદ્ધ વિમાનોના સોદા અંગે ઘણી અપેક્ષા હતી. રફાએલનો અર્થ ટોર્નેડો અથવા વાવાઝોડું થાય છે.
છેલ્લા 26 વર્ષોના ઇતિહાસમાં ફ્રાન્સ આ પ્રકારના વિમાન કોઇપણ અન્ય દેશને વેચવામાં નિષ્ફળ રહ્યું હતું. ગત ડિસેમ્બર માસમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રીએ પણ કહ્યું હતું કે જો હવે કોઇ ખરીદનાર નહીં મળે તો રફાએલનું ઉત્પાદન બંધ કરી દેવાની ફરજ પડશે.
ભારત અને ફ્રાન્સ વચ્ચેના સોદા માટે નવી દિલ્હી ખાતે રહેલા ફ્રાન્સના એમ્બેસેડરે પણ ગત અઠવાડિયે ઘણીવાર પેરિસના ચક્કરો કાપ્યા હતા.
રફાએલ વિમાન સૌથી પહેલા 1986માં આકાશમાં ઉડ્યું હતું. નેધરલેન્ડ, સિંગાપોર, મોરેક્કો, લીબિયા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, યુએઇ, સ્વિટઝર્લેન્ડ, ગ્રીસ અને બ્રિટીશ રોયલ નેવીએ પણ પહેલા આ યુદ્ધ વિમાન ખરીદવામાં રસ દાખવ્યો હતો પરંતુ બાદમાં તેઓ ફરી ગયા હતા અને કહ્યું હતું કે આ વિમાનો વધુ ખર્ચાળ છે અને વધુ સારસંભાળ માંગી લે તેવા છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.