સાઈબેરિયાના તોમ્સ્કની કોર્ટે આપેલા મહત્વના ચુકાદાથી હિન્દુઓને રાહત
રશિયાના સાઈબેરિયાની કોર્ટે ભગવદ્ગીતા પર પ્રતિબંધ મૂકવાની અરજી બુધવારે ફગાવી દેતાં ત્યાંના હિન્દુઓ મહત્વની કાનૂની લડાઈ જીતી ગયા છે. છેલ્લા છ મહિનાથી આ કેસ ચાલતો હતો જેનો આખરે ચુકાદો આવી ગયો છે. ભગવદગીતાનું પુસ્તક ‘કટ્ટરવાદી’ સાહિત્ય હોવાની સરકારી વકીલની દલીલને ન્યાયાધીશે ફગાવી દીધી હતી.
સાઈબેરિયાના તોમ્સ્ક શહેરની કોર્ટમાં બુધવારે સવારે અંતિમ સુનાવણી શરૂ થઈ હતી, જેમાં ન્યાયાધીશે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આખરે હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. રશિયામાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન)ના નેતા સાધુ પ્રિયદાસજીએ મોસ્કોથી જણાવ્યું હતું કે કોર્ટે ભગવદગીતા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે.ભારત સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. જુન મહિનાથી આ કેસ ચાલતો હતો.
રશિયાના હિન્દુઓએ આ મહત્વના મુદ્દે ભારત સરકારને હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી જેને પગલે મોસ્કોમાં ભારતીય રાજદૂતે અને દિલ્હીથી પણ વિદેશમંત્રી એસ.એમ. ક્રિશ્નાએ રશિયન સરકારને વિવિધ સ્તરે આ અંગે રજુઆત કરી હતી. ક્રિશ્ના મંગળવારે દિલ્હીમાં રશિયન રાજદૂત એલેકઝાન્ડર કદાકિનને મળ્યા હતા. ઇસ્કોનના સભ્યોનો આરોપ હતો કે અરજી પાછળ રશિયાના કટ્ટરવાદી ચર્ચોનો હાથ છે. તેઓ આ પ્રકરણ દ્વારા ઇસ્કોનની ગતિવિધીઓ પર મર્યાદા મુકવા માગતા હતા.
વિવાદ શું હતો
ઈસ્કોનના ‘ભગવદગીતા એઝ ઈટ ઈઝ’ નામનાં પુસ્તકનો રશિયન ભાષામાં અનુવાદ કરાયો હતો. આ પુસ્તક અંગે સાઈબેરિયાના તોમ્સ્ક શહેરની તોમ્સ્ક યુનિવર્સિટીના પ્રોફેસરોએ એવી દલીલ કરી કે આ પુસ્તક બિનહિન્દુઓ સામે ધિક્કારની લાગણી ફેલાવે છે અને તેમાં લિંગભેદ, વંશીય ભેદભાવ, રાષ્ટ્રીયતા અને ભાષા અંગે ભેદભાવ દર્શાવાયા છે. તોમ્સ્કના સરકારી વકીલોએ કેસની સુનાવણી દરમિયાન આ પુસ્તકને પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં મૂકવાની માગણી કરી હતી.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.