વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ સાથે ટોરોન્ટો ગયેલા સત્તાવાર સૂત્રોને માનવામાં આવે તો, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં મહત્વનું રચનાત્મક પરિવર્તન આવ્યું છે. હવે એ સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીરની ગત ફેબ્રુઆરીમાં નવી દિલ્હીની મુલાકાતથી ભારત પ્રત્યે પાકિસ્તાનના વલણમાં રચનાત્મક પરિવર્તન આવ્યું છે.
ઓળખ જાહેર નહીં કરવા માગતા વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનને તેની પોતાની આંતરિક સમસ્યાઓ ઉકેલવામાં ઇસ્લામાબાદ દ્વારા સામનો કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભારતે પણ સારો પ્રતિસાદ આપ્યો છે. યુપીએ સરકાર પાસે એ બાબત માનવાનાં કારણો પણ છે કે, પાકિસ્તાનના લોકો જ નહીં પરંતુ પાકિસ્તાનના વિરોધ પક્ષો પણ રચનાત્મક રીતે નવી દિલ્હી સાથે મંત્રણા કરવા આતુર છે.
સૂત્રોએ એવો દાવો પણ કર્યો કે, પાકિસ્તાની નેતાગીરીએ ડૉ. મનમોહનસિંઘના અભિગમની પ્રશંસા કરવાની શરૂઆત કરી દીધી છે અને ચાલી રહેલી મંત્રણા પ્રક્રિયાના ફળદાયી પરિણામો મેળવવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી ત્યારે પાકિસ્તાની નેતાગીરીએ આપણી પહેલ અપનાવવાની પણ શરૂઆત કરી દીધી છે.