યુએસમાં પ્રમુખપદના રીપબ્લીકન ઉમેદવાર મિટ રોમનીએ કહ્યું છે કે તે છેલ્લા બે વર્ષમાં તેમની 43.5 મિલીયન ડોલરની આવક પર 6.2 મિલીયન ડોલરનો ટેક્સ ભરશે. જે 2010માં 13.9 ટકાનો કરવેરા દર દર્શાવે છે અને 2011માં આ દર 15.4 ટકાના સંભવિત દરે રહી શકે છે.
તેમની આવક તેમને યુએસમાં કમાણી કરનારાઓમાં ટોચના વ્યક્તિઓમાં મૂકે છે અને તેમના કરવેરા ચૂંટણી ઝૂંબેશનો મુદ્દો બની ગયા છે.
રોમની એક મલ્ટી મિલીઓનેર અને માસાચૂસેટ્સના પૂર્વ ગવર્નર છે. તેમની પાસે ત્રણ મકાન છે અને મુખ્યત્વે પોતાની રોકાણની આવક પર જીવે છે, જેના પર ફક્ત 15 ટકા ટેક્સ જ ચૂકવવા પાત્ર છે. કમાયેલી આવક પર 35 ટકા સુધીનો ટેક્સ લેવાય છે.
શું કહે છે રોમ્ની
તેમણે તેમની આવક અને ટેક્સના આંકડા જાહેર કર્યા તે પહેલા તેમણે તેમના ટેક્સ રેકોર્ડનો બચાવ કર્યો હતો. તેઓ કહે છે કે ''હું કાયદેસર રીતે જરૂરી બધા ટેક્સ ચુકવું છું તેનથી એક પણ ડોલર વધારે નહીં. હું નથી વિચારતો કે લોકોને પ્રમુખપદ માટે એવો ઉમેદવાર જોઇએ જે તેની આકારણી કરતા વધારે ટેક્સ ભરતો હોય.''
રોમ્ની અને તેમના પત્નિએ 2010માં 21.6 મિલીયન ડોલર અને 2011માં 20.9 મિલીયન ડોલરની આવકો મેળવી છે, જેમાંથી લગભગ બધી રોકાણોની છે. રોમ્નીએ તાજેતરમાં જ દાનમાં સાત મિલીયન ડોલર આપ્યા છે.
ઓબામાનો હીસાબ
રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્નિ મિશેલે 2010માં 1.7 મિલીયન ડોલરની આવક મેળવી હતી, જેના પર તેમણે 4,50,000 ડોલરનો ફેડરલ ટેક્સ 26 ટકાના દરે ચૂકવ્યો હતો.
રોમ્નીએ એમ કહેતા કરવેરાના આંકડા જાહેર કરવાનું વચન આપ્યું હતું કે કરવેરાનો પ્રશ્ન તેમની ચૂંટણી ઝૂંબેશમાં વિક્ષેપ ઉભો કરી રહ્યો છે.