ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનની પુત્રી ચેલ્સી અને ઇન્વેસ્ટમેન્ટ બેંકર મેર મેઝવિન્સ્કીના લગ્નમાં કેટલો ખર્ચ થશે તેવી ચર્ચા હાલમાં અમેરિકામાં થઇ રહી છે. કેમ કે, લોકો આ લગ્નને ‘સદીના લગ્ન’ તરીકે ગણાવી રહ્યાં છે. ન્યૂ યોર્કના ગ્રામ્ય વિસ્તાર રિ્હનબેક ખાતે આ લગ્ન સમારંભ યોજાનારો છે.
લગ્ન સમારંભનું કવરેજ કરવા માટે આ નાનકડા ગામડામાં અસંખ્ય પત્રકારો-કેમેરામેનો ઊમટી પડ્યા છે. આ લગ્ન પાછળ ત્રણથી પાંચ મિલિયન અમેરિકી ડોલર(અંદાજે ૨૩.૧૭ કરોડ રૂપિયા)નો ખર્ચ થાય તેવી શક્યતા છે.
૩૦ વર્ષની નવવધૂ ચેલ્સી તેના ભાવિ પતિ મેઝવિન્સ્કી(૩૨ વર્ષ) વચ્ચે કિશોરવયથી પરિચય હોવાનું કહેવાય છે. અહીંના ગ્રાન્ડ એસ્ટોર કોર્ટહાઉસ ખાતે બન્ને જણા પ્રભુતામાં પગલાં માંડશે. આ વિસ્તારને ‘નો-ફ્લાઇ’ જોન જાહેર કરવામાં આવ્યો છે. લગ્ન સ્થળ તરફ જતા તમામ માર્ગો બ્લોક કરવામાં આવ્યા છે.
નવવધૂના માતા-પિતા વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને બિલ ક્લિન્ટન રિ્હનબેક પહોંચી ગયાં છે. લગ્નના ૫૦૦ મહેમાનોની યાદી છે. જોકે, એક બિનસત્તાવાર અહેવાલ અનુસાર પ્રમુખ બરાક ઓબામા અને તેમનો પરિવાર આ યાદીમાં નથી. સુરક્ષાનાં કારણોસર તેઓને સામેલ કરાયા નથી. લગ્નની તૈયારી કરી રહેલા બિલ ક્લિન્ટન પણ એકદમ ખુશ દેખાઇ રહ્યા છે. તેઓ આનંદથી સ્થાનિક લોકોને મળી રહ્યા છે.
પોતાની દીકરીના જીવનસાથીની પસંદગીથી પણ તેઓને આનંદ છે. તેમણે જણાવ્યું હતું કે મને માર્ક(ચેલ્સીનો ભાવિ પતિ) ખૂબ જ ગમે છે. હું તેનાં વખાણ કરું છું. હિલેરીએ પણ આવી જ લાગણી વ્યક્ત કરી હતી.