-સુપ્રીમ કોર્ટે ગિલાનીને ફરી જાતે હાજર રહીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો -૧૩મીએ વધુ સુનાવણી
પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાની સામે ત્યાંની સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે શુક્રવારે ગિલાનીની એ અરજી ફગાવી દીધી જેમાં તેમણે કોર્ટના તિરસ્કારના કેસમાં રાહત આપવાની અપીલ કરી હતી. આ સાથે જ કોર્ટે ગિલાનીને ૧૩ ફેબ્રુઆરીએ જાતે જ હાજર રહીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.
ગિલાનીની અપીલ ફગાવી દેતાં પહેલાં ચીફ જસ્ટિસ ઈફ્તિખાર ચૌધરીની અધ્યક્ષતા હેઠળની આઠ સભ્યોની બેન્ચે તેમના વકીલ એતઝાઝ અહેસાનને વધુ એક તક આપી હતી. બેન્ચે વકીલને કહ્યું કે તેઓ ગિલાનીને પૂછીને જણાવે કે શું તેઓ સ્વીસ સરકારને ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસ ખોલવા માટે પત્ર લખશે કે કેમ.
અહેસાને વડાપ્રધાન સાથે સંપર્ક કરવા માટે ૧૦થી ૧૫ દિવસનો સમય માગ્યો હતો. તે અંગે કોર્ટે અહેસાનને માત્ર ૧૦ મિનિટનો જ સમય આપ્યો હતો. ત્યારબાદ અહેસાને કહ્યું કે તેઓ આ માટે સત્તાવાર રીતે કહી શકે તેમ નથી. ત્યારબાદ કોર્ટે ગિલાનીની અપીલ ફગાવી દીધી હતી. ગિલાનીએ ૧૯ જાન્યુઆરીએ પણ કોર્ટમાં જાતે હાજર રહીને સ્પષ્ટતા કરી હતી. તે સમયે તેમણે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ ઝરદારીને બંધારણીય સુરક્ષા મળેલી છે. આથી તેમની સામે કેસ દાખલ કરી શકાય નહીં.