અમેરિકાના મીડિયાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના(પીઓકે) ગિલગિટ બલ્ટિસ્તાન વિસ્તાર પર ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન હવે તેનો કબજો ચીનને સોંપી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે ગિલગિટ બલ્ટિસ્તાનમાં બે મહત્વપૂર્ણ ઘટના બની છે. પહેલી એ કે અહીં પાકિસ્તાનના શાસકો સામે મોટો વિદ્રોહ થવાની શક્યતા છે, તેમજ ચીની પીપલ્સ લિબરેશન આર્મીના 7000 થી 11000 સૈનિકોએ અહીં ઘૂસણખોરી કરી છે. આ વિસ્તાર સાથે દુનિયાનો કોઈ સંપર્ક નથી રહ્યો.
વર્તમાનપત્રએ લખ્યું છે કે ચીન પાકિસ્તાન હસ્તકના આ વિસ્તારમાં રસ્તો તેમજ રેલવે લાઈન નાખવા માટે પોતાની પકડી મજબૂત બનાવી રહ્યું છે. આ માર્ગ દ્વારા બેઈજિંગ પૂર્વ ચીનથી બલૂચિસ્તાનના ગવાદાર, પાસની અને ઓરમરામાં ચીન દ્વારા નવનિર્મિત પાકિસ્તાની નૌસેના મથકો પર જરૂરી સમાનની હેરફેર કરી શકશે.
ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે ગિલગિટ બલ્ટિસ્તાનમાં પ્રવેશ કરી રહેલા સૈનિકોમાંથી અનેક રેલમાર્ગો પર કામ કરશે. જ્યારે અમુક કરાકોરમ હાઈવે જે ચીન અને ઝિનઝિયાંગ વિસ્તારને પાકિસ્તાન સાથે જોડવા માટે બનાવવામાં આવ્યો છે તેના વિસ્તારના કામમાં જોડાયા છે. જ્યારે બાકીના લોકો બંધો, એક્સપ્રેસ વે અને અન્ય યોજનાઓમાં કામ કરી રહ્યા છે.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે ગુપ્ત સ્થળો પર બની રહેલી 22 જેટલી સુરંગો પણ એક રહસ્ય બની છે. કારણ કે અહીં પાકિસ્તાનીઓને જવા પર પણ પ્રતિબંધ છે. શક્ય છે કે ઈરાન દ્વારા ચીનને મળનારી પ્રસ્તાવિત ગેસ પાઈપલાઈન માટે આ સુરંગો જરૂરી હોય. પરંતુ ચીન આ સુંરગોનો ઉપયોગ મિસાઈલ ભંડારના કેન્દ્ર માટે પણ કરી શકે છે. વિદેશી જાસૂસી સૂત્રો, પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાન માનવાધિકારના હવાલેથી સમાચાર આપનાર વર્તમાનપત્રનું કહેવું છે કે અહીં આવેલા સૈનિકો કામચલાઉ બનાવવામાં આવેલી શિબિરોમાં રહેતા હતાં, તેમજ કામ પુરુ થતાંની સાથે પરત ચાલ્યા જતાં પરંતુ હવે તે અહીં કાયમી વસવાટ ઉભી કરી રહ્યા છે.