૧૯૯૦ના દાયકાની મધ્યમાં એલિસને દુરંદેશીથી ઈન્ટરનેટની લોકપ્રિયતા માપી લીધી. તેમણે પોતાના કલાયન્ટ સર્વર સોફ્ટવેર પર ભાર મૂકવાના બદલે એવી પ્રોડકટ પર ભાર મૂક્યો જેને ઈન્ટરનેટ પર બ્રાઉઝરના માધ્યમથી ચલાવી શકાય.
વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સની ઈન્ટરબ્રાન્ડ યાદીમાં ઓરેકલનું નામ ૨૩મા ક્રમે છે અને તેનું બ્રાન્ડ મૂલ્ય ૧૩.૭ અબજ ડોલર છે. તેને વિશ્વની સૌથી મોટી એન્ટરપ્રાઈસ કંપની ગણવામાં આવે છે પરંતુ સાચા અર્થમાં તે મોટી ડેટાબેઝ બ્રાન્ડ છે કારણ કે તેની શરૂઆત પણ ડેટાબેઝ સોફ્ટવેરથી થઈ છે. ૨૦૦૯માં ઓરેકલ કોર્પોરેશનને ૨૩,૨૫૨ મિલિયન ડોલરની આવક થઈ હતી અને ૫,૫૯૩ મિલિયન ડોલરનો નફો થયો હતો જેમાં ૮૧ ટકા આવક સોફ્ટવેર વેચાવાથી થઈ છે.
ઓરેકલ કંપનીનો અત્યારે સમગ્ર વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે આ કંપનીને પોતાની પ્રથમ પ્રોડકટ બનાવતા બે વર્ષ લાગ્યા હતા અને તેની સ્થાપના ત્રણ મિત્રોએ બે હજાર ડોલરની બચતમાંથી કરી હતી? શરૂઆત માત્ર એક વિચારથી થઈ હતી. ત્રણ દાયકા કરતાં વધારે સમય પહેલાં લેસી એલિસને એક એવી તક જોઈ જે બાકીની કંપનીઓએ નહોતી જોઈ. તે વિચાર હતો ડેટાબેઝ સોફ્ટવેરની સંભાવના. ૧૯૭૬માં આઈબીએમએ ડેટાબેઝ બનાવવા એસકયૂએલ નામની કમ્પ્યૂટર ભાષા વિકસાવી પરંતુ તેમને આમાં કોઈ વ્યવસાયિક સંભાવના નહોતી દેખાઈ.
હવે આ રિચર્સ પેપર છપાતા એલિસને તેમની દુરંદેશીથી જાણી લીધું કે આવા ડેટાબેઝ પ્રોગ્રામ ખૂબ સફળ થઈ શકે છે. એ સમયે તેઓ એમ્પેકસ કોર્પોરેશનમાં વાઈસ પ્રેસિડન્ટ હતા પરંતુ તેમણે પોતાની નોકરી છોડી દીધી અને બે મિત્રો બોબ માઈનર અને એડ ઓટ્સ સાથે મળી ૧૬ જુન ૧૯૭૭ના રોજ એક કંપનીની શરૂઆત કરી. એ વખતે તેનું નામ સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબોરેટરીઝ રાખવામાં આવ્યું હતું. ઓરેકલ નામ તો ૧૯૮૨માં રાખવામાં આવ્યું હતું.
જ્યારે એલિસન એમ્પેકસ કોર્પોરેશનમાં કામ કરતા હતા ત્યારે તેમણે સીઆઈએ માટે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો જેનું કોડનામ ઓરેકલ રાખવામાં આવ્યું હતું. તેમણે પોતાના ડેટાબેઝને આ નામથી જ બજારમાં મૂક્યો હતો. રસપ્રદ વાત એ છે કે જ્યારે ૧૯૭૯માં ઓરેકલનું પહેલું વર્ઝન આવ્યું તો તેનું નામ ઓરેકલ વર્ઝન-૨ રાખવામાં આવ્યું હતું.
લેરી એલિસને તેને ઓરેકલ વર્ઝન-૧ નામ ન આપ્યું જેથી કોઈ તેમની પ્રોડકટને નબળી કે હલકી ન માને. શરૂઆતમાં તેમની પાસે માત્ર બે મોટા ગ્રાહક હતા : રાઈટ પેટરસન એર ફોર્સ બેઝ અને સીઆઈએ. આશ્ચર્યની વાત એ છે કે ૧૯૮૦માં ઓરેકલમાં માત્ર આઠ કર્મચારી હતા અને તેમની આવક માત્ર એક મિલિયન ડોલરથી ઓછી હતી પરંતુ પછીના સાત વર્ષમાં ઓરેકલનું વેચાણ દર વર્ષે ડબલ થતું ગયું. સંચાર ક્રાંતિ બાદ અમેરિકાની બેંકો, એરલાઈન્સ, ઓટોમોબાઈલ કંપનીઓ અને અગ્રણી રીટેલ કંપનીઓ ઓરેકલના ડેટાબેઝ પ્રોગ્રામ પર નિર્ભર થવા લાગ્યા.
૧૯૯૦ના દાયકાની મધ્યમાં એલિસને દુરંદેશીથી ઈન્ટરનેટની લોકપ્રિયતા માપી લીધી. તેમણે પોતાના કલાયન્ટ સર્વર સોફ્ટવેર પર ભાર મૂકવાના બદલે એવી પ્રોડકટ પર ભાર મૂક્યો જેને ઈન્ટરનેટ પર બ્રાઉઝરના માધ્યમથી ચલાવી શકાય. હવે ઓરેકલે ઓરેકલ ૮.૧ના બદલે ઓરેકલ-૮આઈને બજારમાં મૂકર્યું તો સંકેત મળ્યા હતા કે ઓરેકલ ઈન્ટરનેટ આધારિત ડેટાબેઝ બનાવવાની તૈયારીમાં છે.
ભારતમાં ઓરેકલે ૧૯૯૩માં ઓરેકલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. થોડા સમય પહેલાં ભારતમાં ઓરેકલના લગભગ ૨૦,૦૦૦ કર્મચારી હતા. આજે કંપની પાસે ૩,૨૦,૦૦૦ ગ્રાહકો છે અને તેમની પ્રોડકટ ૧૪૫ દેશોમાં વેચાય છે. આજે લેરી એલિસન પાસે ૨૮ અબજ ડોલરની સંપત્તિ છે અને તેમનું નામ અમીરોની યાદીમાં છઠ્ઠા ક્રમે આવે છે. આ બધું જ એ ડેટાબેઝ પ્રોગ્રામના કારણે શક્ય બન્યું જેનો વિચાર તેમને એક રિચર્સ પેપર વાંચવાથી આવ્યો હતો.
બ્રાન્ડ મેનેજમેન્ટના પાઠ
ઓરેકલે પોતાની બ્રાન્ડને સતત મજબૂત બનાવી છે. ૧૯૮૨માં કંપનીનું નામ બદલીને ઓરેકલ રાખવામાં આવ્યું જેથી પ્રોડકટનો સારી રીતે પ્રચાર કરી શકાય. ઓરેકલ તેમના મૂળ ડેટાબેઝ પ્રોગ્રામને સતત બહેતર બનાવવાના પ્રયત્નમાં રહે છે. જ્યારે ઈન્ટરનેટ ક્રાંતિ શરૂ થઈ તો તેણે પોતાની પ્રોડકટને ઈન્ટરનેટ પર આધારિત કરી દીધી. દર વર્ષે ઓરેકલ રિચર્સ અને ડેવલપમેન્ટ પર ૩ અબજ ડોલરનો ખર્ચ કરે છે. આ ઘણી મોટી રકમ છે પરંતુ કોઈ કંપનીની વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડનું મૂલ્ય ૧૩.૭ અબજ ડોલર હોય તો પોતાની બ્રાન્ડ નામનો દબદબો જાળવી રાખવા માટે તેણે તમામ શક્ય પ્રયત્નો કરવા જોઈએ.