હાલમાં માર્થા વાઈનયાર્ડમાં રજા માણી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કામકાજના પસંદગીની રેટિંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ઓબામાના કામની રેટિંગ ઘટીને હવે 43 ટકા થઈ ગઈ છે.
ગેલપ પોલ દ્વારા કરવામાં આવેલા સર્વેના જણાવ્યા પ્રમાણે ઓબામાની રેટિંગ પરથી માલુમ પડે છે કે 50 ટકા અમેરિકનો હવે ઓબામાના કામકાજથી ખુશ નથી. સર્વેના જણાવ્યા પ્રમાણે આ રેટિંગ ગયા અઠવાડિયાની શરૂઆતમાં આવેલા ઘટાડાને દર્શાવે છે. જેમાં 15 થી 17 ઓગસ્ટ અને 16 થી 18 ઓગસ્ટ દરમિયાન નોંધવામાં આવેલી 41 ટકાની રેટિંગનો પણ સમાવેશ થાય છે. જે ઓબામા સરકારની અત્યાર સુધીની સૌથી નીચી રેટિંગ છે. જો કે 20 થી 22 ઓગસ્ટ દરમિયાન તેમાં થોડો સુધારો થયો હતો, આ સમય દરમિયાન રેટિંગ 44 ટકા સુધી પહોંચી હતી.
ગેલપના જણાવ્યા પ્રમાણે ઓબામાની વર્તમાન 43 ટકાની રેટિંગ જ્યોર્જ બુશ તેમજ તેના પુત્ર જ્યોર્જ ડબલ્યૂ.બુશના કાર્યકાળ દરમિયાન બીજા વર્ષના આ જ સમયગાળા દરમિયાન નોંધવામાં આવેલી રેટિંગથી ખૂબ નીચી છે. જો કે ઓબામાની રેટિંગ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન, રીગન અને કાર્ટરની રેટિંગ જેટલી છે. પોતાના બીજા વર્ષ દરમિયાન 40 ટકા રેટિંગ મેળવનાર ક્લિન્ટન, રીગન અને કાર્ટર પોતાના સમય દરમિયાન થયેલી મધ્ય ચૂંટણી દરમિયાન 50 ટકાની રેટિંગ મેળવી શક્યા ન હતાં.