ઈરાકમાં અમેરિકી સૈન્ય અભિયાનની સમાપ્તિની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે જાહેર કર્યું છે કે સંઘર્ષ પ્રભાવિત દેશ ઈરાક હવે પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે, કારણ કે આગામી વર્ષના અંત સુધીમાં અમેરિકા પોતાના સૈન્યને પાછુ બોલાવી લેશે. ઓબામાએ દેશને પોતાના સાપ્તાહિક સંબોધનમાં જણાવ્યું હતું કે કોઈ પણ અન્ય દેશોની જેમ ઈરાક પણ હવે તેના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે.
તેમણે ઉમેર્યું હતું કે સાત વર્ષ કરતાં પણ વધારે સમય પછી હવે અમેરિકા ઈરાકમાં પોતાનું સૈન્ય અભિયાન સમાપ્ત કરી રહ્યું છે. તેમણે દેશવાસીઓને વચન આપ્યું હતું કે તેઓ આ યુદ્ધ પૂરું કરશે. જ્યારથી ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેઓ 90,000થી વધુ સૈનિકોને સ્વદેશ પરત બોલાવી ચૂક્યા છે. દેશના કેટલાંય સ્થાનો ફરીથી ઈરાકી સૈન્યને સોંપવામાં આવ્યા છે.
ઓબામાએ આ ભાષણમાં જણાવ્યું હતું કે અમેરિકા લાંબા સમયથી ઈરાક અને અફઘાનિસ્તાનના સૈન્ય અભિયાનોમાં વ્યસ્ત છે. આ યુદ્ધોમાં કેટલાંય અમેરિકી જવાનોએ જીવ ગુમાવ્યા છે.ઈરાકમાં દસ લાખથી વધારે અમેરિકી સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. વિયેતનામમાં તો ઈરાક કરતા પણ વધારે અમેરિકી સૈનિકો ખડકાયેલા છે.હવે આ બંને દેશોના મળીને દસ લાખ કરતાં પણ વધારે અમેરિકી સૈનિકોને પાછા બોલાવાઈ રહ્યા છે.
આમાંના નિવૃત્ત સૈનિકો હવે અમેરિકી અર્થતંત્રમાં કામ શોધી રહ્યા છે. ઓબામાએ આ મુદ્દે સંઘીય સરકારને શક્ય તેટલા વધારે નિવૃત્ત સૈનિકોને કામ આપવાની જોગવાઈ કરવાનું કહ્યું છે.આમાંના કેટલાંક સૈનિકો વિકલાંગ પણ થઈ ગયા છે. ઓબામા આ નિર્ણયનું પાલન કરનારા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે. સૈન્યની આ પેઢી પણ પોતાને નેતાઓની નવી પેઢી બનાવવા માટે સાબિત કરી ચૂકી છે.