અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઇફ્તાર પાર્ટીમાં ઉપસ્થિત રહેલા બિનમુસ્લિમ રાજદ્વારીઓમાં ભારતના અમેરિકા ખાતેના રાજદૂત મીરા શંકરનો પણ સમાવેશ થાય છે. ઇફ્તાર પાર્ટી દરમિયાન ઓબામાએ દિવાળી સહિત તમામ તહેવારોની ઉજવણી કરવાની પરંપરા અને અમેરિકનોના જીવનમાં ધર્મની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનર રૂમમાં શુક્રવારે રાત્રે યોજવામાં આવેલી ઇફ્તાર પાર્ટીમાં ઓબામાએ જણાવ્યું કે, વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીઓ, ક્રિસમસની પાર્ટીઓ અને ઇફ્તાર પાર્ટી યોજવાની અમારી પરંપરા છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, અમારો સાંસ્કૃતિક વારસો નબળો નથી મજબૂત છે.
અમેરિકા ખ્રિસ્તીઓ, મુસ્લિમો હિન્દુઓ, યહૂદીઓ અને ઇશ્વરમાં નહીં માનનારાઓનું રાષ્ટ્ર છે. અમેરિકા વિશ્વના દરેક ખૂણાના લોકો, દરેક ભાષા, સંસ્કૃતિથી બનેલું છે. ભૂતકાળમાં વિવાદો સર્જાયા હતા પરંતુ સમય પસાર થતા હવે અમેરિકાના લોકોએ એ વિવાદો દૂર કરી દીધા છે.