માથા પર જન્મપ્રમાણપત્ર લગાવીને ફરી નથી શકતો : ઓબામા
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાને મુસ્લિમ કહેવામાં આવતા હોવાના મુદ્દે કહ્યું છે કે તેઓ પોતાનું જન્મ પ્રમાણપત્ર માથે લગાવીને ફરી નથી શકતા. વિરોધી આ મુદ્દે દુષ્પ્રચાર કરી રહ્યા છે.તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણનાં તારણોને નકારતાં ઓબામાએ આ વાત કરી હતી.
સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું કે ૧૮ ટકા અમેરિકાવાસીઓ ઓબામાને મુસ્લિમ માને છે. એનબીસી ન્યૂઝ ચેનલને મુલાકાત આપતાં ઓબામાએ જણાવ્યું હતું કે જે સત્ય છે તે સત્ય જ રહેશે. આ વિષે વધુ ચિંતા કરવાની જરૂર જણાતી નથી. ચૂંટણી સમયે પણ ઓબામાએ આ પ્રકારના દુષ્પ્રચારનો સામનો કર્યો હતો. તેમના નામ સામે પ્રશ્નાર્થ મૂકી કહેવામાં આવતું હતું કે ઓબામા ચૂંટણી નહીં જીતી શકે પરંતુ ઓબામા આખરે જીતી ગયા હતા.
મસ્જિદ નહીં પરંતુ બંધારણ
ન્યૂયોર્ક શહેરમાં ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલા ટિ્વન ટાવર નજીક મસ્જિદ નિર્માણના મુદ્દે સ્પષ્ટતા કરતા ઓબામાએ જણાવ્યું હતું કે તેઓ મસ્જિદ નિર્માણની દરખાસ્તને નહીં પરંતુ ધાર્મિક સ્વતંત્રતાના અમેરિકી બંધારણને અનુસરી રહ્યા છે.
કોઇ ખાસ યોજનાને સમર્થન નથી આપી રહ્યો પરંતુ બંધારણને અનુરૂપ કામ કરી રહ્યો છું. સ્થળ પર જો તમે ચર્ચ, યહૂદી મંદિર કે હિન્દુ મંદિર બનાવી શકાય તો મુસ્લિમ ધર્મી અમેરિકાવાસીઓ સાથે અલગ વ્યવહાર નથી કરી શકતા.